ReadGujarati.com



« | »

એક પ્રવચન – સુરેશ પરીખ

[આદરણીય સુરેશભાઈ પરીખ ‘વિચાર વલોણું’ પરિવારના સંસ્થાપક હોવાની સાથે અનેક ઉત્તમ સાહિત્યિક પ્રવૃત્તિઓ સાથે આજે 76વર્ષની ઉંમરે પણ સંકળાયેલા છે. તેમના સન્માનમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘મન હોય તો માળવે જવાય’ માંથી પ્રસ્તુત છે તેમનું એક વક્તવ્ય. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે શ્રી સુરેશભાઈનો (વલ્લભવિદ્યાનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9825852702. ]

અધ્યાપક મિત્રો, વિદ્યાર્થી ભાઈ-બહેનો અને અન્ય આમંત્રિતો,

Picture 032પ્રથમ તો તમારી સમક્ષ મારા વિચારો રજૂ કરવાની તક આપવા બદલ વ્યવસ્થાપકોનો આભાર માનું છું. હું તમને ખાતરી આપું છું કે મારી પાસે એવી કોઈ આદર્શની વાતો, તત્વજ્ઞાન કે સલાહ સૂચનો નથી કે જે તમે વિના વિચાર્યે સ્વીકારો અને તે મારફત તમે સુધરી જાવ અને તમારી જીવનપદ્ધતિ વધુ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય. ખરેખર તો હું મારી કેટલીક વિચારણા અને ગૂંચવાડા તમારી સમક્ષ મૂકવા માંગું છું અને એને આધારે કેટલીક સહવિચારણા થાય તો કેટલાક વલણ-વૃત્તિ-વ્યવહાર અંગેના ખ્યાલો જાણો અને તેના પર વિચાર કરી ઠીક લાગે તેવું તેટલું સ્વીકારો. આજે આપણી આસપાસ જે વાતાવરણ-પરિસ્થિતિ છે તેનો તમને સંતોષ હોય તો હું એટલું ધ્યાન દોરવા આવ્યો છું કે તમે જાણો-સમજો છો એવી કોઈ સંતોષકારક વાત છે નહીં.

તમારી આ ઉંમરે અને તબક્કે તમારી સમક્ષ કેટલીક વિગતો, તથ્યો, માહિતી મૂકવા માંગું છું જે કદાચ તમોને તમારા સમગ્ર-સ્વસ્થ વિકાસ માટે કાર્યાન્વિત કરે. તમોને કદાચ ખબર હશે જ કે વર્ષો સુધી મુખ્યત્વે સ્ટ્રકચરલ એન્જિનીયરીંગ અને અન્ય ઈજનેરી વિષયો પૂર્વસ્નાતક તથા અનુસ્નાતક કક્ષાએ ભણાવતો હતો. વિજ્ઞાન ટેકનોલોજીના વિકાસની વાતો – કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, આર્ટીફિશીઅલ ઈન્ટેલીજન્સ વગેરેનો ખ્યાલ મને છે. આ બધું એટલા માટે કહું છું કે એક વખત હું મારા વિચારો રજૂ કરું ત્યારે તમારામાંના કેટલાકને એવો ખ્યાલ ન આવે કે વિજ્ઞાન-ટેકનોલોજીની વાતોથી અજાણ એવું કોઈ અહીં આવી ગયું કારણ કે દરવાજા ખુલ્લા હતા અને તેથી મને તમારી સમક્ષ આવતો કોઈએ અટકાવ્યો નહીં.

આમ તો મારી વાત સીધી-સાદી અને સરળ છે. તમારામાંના ઘણા બધા કોઈને કોઈ છાપું વાંચતા હશે. તંત્રીલેખ વગેરે નહીં જોવાતા હોય તો પણ ઓછામાં ઓછું ‘હેડલાઈન’ તો વાંચતા જ હશો. હું હેડલાઈનની વાત એટલા માટે કરું છું કે છાપાઓની હેડલાઈનોમાં બહુ ફેરફાર હોતા નથી. તો આ ઉંમરે તમારી જે કાંઈ બુદ્ધિ-કુશળતા-સમજદારી છે તેને આધારે બે-ત્રણ દિવસની જ હેડલાઈન વાંચો તો તમારે એવા અનુમાન પર આવવું પડે કે આ દુનિયામાં કોઈ ઠેકાણે કશું સીધું ચાલતું નથી. આપણી આજુબાજુ એક એવી નઘરોળ પરિસ્થિતિ છે, એક એવું બિનજવાબદાર વાતાવરણ છે કે આ દુનિયા માણસને જીવવાલાયક રહી નથી. આજે તમો જો નક્કી કરો કે મારે માણસ તરીકેનું જીવન જીવવું છે તો આજથી તમારી તકલીફો, મુશ્કેલીઓમાં વધારો થશે. જો તમો આ વાતો સામન્યત: સ્વીકારો – કબૂલ કરો – સંમત થાવ તો આપણે પૂછવું જોઈએ કે છેલ્લાં ત્રણસો વર્ષના અને ખાસ કરીને ત્રીસ વર્ષનાં વિજ્ઞાન-ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં જે વિકાસ થયાની વાતો કરીએ છીએ, તેનો શું અર્થ ? કોઈક ફિલસૂફે કહ્યું છે તેમ આપણને પંખી કરતાં વધુ સારી રીતે ઊડતાં આવડે છે, માછલી કરતાં વધુ કુશળતાથી પાણી નીચે રહી શકીએ છીએ પણ માનવી તરીકે પૃથ્વી પર કેવી રીતે જીવવું તે આવડતું નથી. કહે છે કે ‘નહીં માનવીથી અદકેરું કાંઈ’ (મેન ઈઝ ધ મેઝર ઑફ ઑલ થીંગ્ઝ). આ સંદર્ભે આપણા વિકાસની વાતો મૂલવીશું ખરા ? અમીબાથી અણુયુગ સુધીનો સારો એવો વિકાસ કર્યો છે પણ તેની સાથે ડગ માંડી તાલ સે કદમ ચાલી શકે એવો આંતરિક વિકાસ સધાયો નથી. પરિણામે વધતા જતા સાધન-સંપત્તિ-સગવડ સાથે પણ જીવન સુખમય નથી.

આપણે સૌ જાણીએ છીએ કે કોઈ યંત્ર ચલાવતાં પહેલાં આપણે તેની કામ કરવાની રીત અંગેની સંપૂર્ણ માહિતી જાણવી જોઈએ. તો સ્વવિકાસની-સ્વસંચાલાનની વાતો કરતાં પહેલાં સ્વ (સેલ્ફ) વિશે જાણવું પડશે. સમજવું જોઈએ. આ અંગેના જરૂરી માહિતી, જ્ઞાન, ડહાપણ, કુશળતા મેળવી લેવાં જોઈશે. સાંભળવાની કલા, જોવાની કલા, જીવન જીવવાની કલા, પ્રેમ કરવાની કલા વગેરે હસ્તગત કરવાં જોઈશે. આપણે અગ્રતાક્રમ સમજી લેવો જોઈશે. આપણી મૂલ્ય-વ્યવસ્થા (જીવનનો માપદંડ) ગોઠવી લેવી પડશે, સમજી લેવી જોઈશે. આ બધું કરવા માટે આપણે જે કોઈ પણ વિષયનો અભ્યાસ કરતા હોઈએ તે ઉપરાંત બીજી પાંચ-પંદર વિદ્યાશાખાની માહિતી, જ્ઞાન, ડહાપણ મેળવવાં જોઈશે. જીવનના ભાગ ન પડે, જીવન અવિભાજ્ય છે. એટલે સમગ્ર જીવન જીવવા માટે કોઈ એકાદ વિદ્યાશાખાનો વિગતે અભ્યાસ બસ ન હોઈ શકે. મારું શિક્ષણ પણ સમગ્ર થવું જોઈએ. તમારામાંના કેટલાકને ખ્યાલ હશે કે પહેલાંના જમાનામાં લોકો જ્યારે વાદવિવાદ માટે વિચારોની આપ-લે માટે મળતા ત્યારે પહેલાં કેટલાક શબ્દોનો અર્થ સ્પષ્ટ કરતા જેથી એકબીજાની વાત સમજવાની સરળતા રહે. શબ્દકોષના અર્થો બહુ કામ આવતા નથી. દા..ત. આપણે સ્વ-વિકાસની વાત કરીએ છીએ. એનાં ઘણાં બધાં પાસાઓ હોય છે. એમાનું એક મુખ્ય છે : ‘ગ્રહણશક્તિ’ (રીસેપ્ટીવીટી). આપણે એક પ્યાલો લઈએ અને તેને કૂવામાં, નદીમાં કે દરિયામાં ડુબાડીએ તો આપણી પાસે એક પ્યાલો જ પાણી આવશે. સામે કેટલું પાણી છે તે અગત્યનું નથી. મારા પ્યાલાનું કદ (સાઈઝ) કેટલું છે તે જ અગત્યનું છે. એક રીતે જોઈએ તો મારા પ્યાલાનું કદ વધે, ગ્રહણશક્તિ વધે તે વિકાસ.

લગભગ એક સરખા અર્થમાં વપરાય છે એવા બે શબ્દો લઈએ : ‘મૂલ્ય’ અને ‘કિંમત’. કોઈપણ વસ્તુની બજારમાં એક કિંમત હોય છે અને સોદો કરવો સહેલો છે. કિંમત ચૂકવો અને વસ્તુ મેળવો. બિસ્કીટના પેકેટની કિંમત પાંચ રૂપિયા છે પછી પાંચ રૂપિયા તમે આપો કે હું આપું. જે પાંચ રૂપિયા આપે તે બિસ્કીટ મેળવે. પરંતુ જરા ઝીણવટથી વિચારીએ તો બિસ્કીટ ખરીદતાં પહેલાં મારે નક્કી કરવું પડે કે બિસ્કીટ ખરીદવાં છે અને આ નિર્ણય કરવા માટે મારે મૂલ્યની વાત વિચારવી પડશે. મારી આર્થિક વ્યવસ્થામાં પાંચ રૂપિયાનું એક મૂલ્ય છે અને મારી ખાવા-પીવાની વ્યવસ્થામાં બિસ્કીટનું એક મૂલ્ય છે. આ બે મૂલ્ય સરખાં થાય તો હું નિર્ણય લઉં છું કે બિસ્કીટ ખરીદવી છે. હું જ્યારે એમ કહું છું કે બિસ્કીટ મોંઘાં છે – મારે ખરીદવાં નથી તો એનો એટલો જ અર્થ કે પાંચ રૂપિયાનું મૂલ્ય બિસ્કીટના મૂલ્ય કરતાં વધારે છે. પરંતુ પછી કોઈક દિવસે અચાનક મારો દીકરો માંદો પડે છે અને ડૉક્ટરની સલાહ છે કે એને ફક્ત બિસ્કીટ આપવાં. તો બિસ્કીટનું મૂલ્ય એકાએક વધી જાય છે અને હું બિસ્કીટ ખરીદું છું. તો મિત્રો, ટૂંકમાં સમજીએ તો સોદો કરવો કે નહીં તેનો નિર્ણય ‘મૂલ્ય’ને આધારે થાય છે. જ્યારે સોદો કરીએ છીએ ‘કિંમત’ ચૂકવીને. હવે આજના જમાનામાં આપણા સૌની મુશ્કેલી એ છે કે આપણને ‘કિંમત’ બધાની ખબર છે પણ ‘મૂલ્ય’ની કોઈ સમજ નથી. (આ સ્થિતિ માટેનાં કારણો અંગે દરેકની માન્યતા-અભિપ્રાય અલગ હોઈ શકે) એટલે ઘણીવાર સોદો કરવો કે નહીં તેનો નિર્ણય કરવામાં ગફલત થઈ જવાનો સંભવ છે પણ એકવાર નક્કી કરીએ કે સોદો કરવો છે અને ‘કિંમત’ ખબર છે તો સોદો સરળતાથી કરી લેવાશે. આ આખી વાત ફક્ત બિસ્કીટની જ નથી પણ મનુષ્યો સાથેના વ્યવહારમાં, જિંદગીના અનેક સંજોગોમાં જે સમાધાનો કરાય છે એ બધામાં આ જ વસ્તુ લાગુ પડે છે. જેનું જેટલું ‘મૂલ્ય’ હોય છે તેના પ્રમાણમાં જ એની ‘કિંમત’ ચૂકવવાની આપણી તૈયારી હશે.

મિત્રો, તમારે જીવનમાં શું કરવું કે શું ન કરવું એ કહેવાનો કોઈ અર્થ નથી. તમારું જીવન છે અને તમોને ઠીક લાગે તેમ જીવો. તમારે જે કરવું હોય તે કરો. પરંતુ એ જો અર્થપૂર્ણ, અસરકારક, આનંદપૂર્વક, સફળતાથી, સરળતાથી કરવું હશે તો કેટલાંક વલણવૃત્તિ, વ્યવહાર કેળવવાં પડશે. જ્યારે વિદ્યાર્થીમિત્રોને કે અન્ય નાગરિકોને મદદરૂપ થવા પ્રયત્ન કરીએ છીએ ત્યારે ખરેખર તો આ પાયાનાં વલણવૃત્તિ કેળવાય એવી કામગીરી હાથ ધરીએ છીએ. પછી એ વલણવૃત્તિનો ઉપયોગ એને જે કામમાં કરવો હોય તે કરે. દા..ત., ધારો કે તમારે એક સારા સિતારવાદક થવું છે કે સારા ફૂટબોલના ખેલાડી થવું છે. હવે સિતારવાદન અને ફૂટબોલની રમતમાં કાંઈ સંબંધ-સરખાપણું નથી. પરંતુ સિતારવાદક બનવા રિયાઝ કરતા રહેવું પડશે. કલાકો સુધી રોજ થાક્યા-કંટાળ્યા વગર સિતારની પ્રેકટીસ કરવી પડે અને ફૂટબોલની પ્રેક્ટીસ કરવા પગ દુ:ખે તોયે કલાકો સુધી રમતા રહેવું પડે. તો જે કોઈ કામ કરવું હોય તેની લગન, તેની પાછળ મંડ્યા રહેવાની વૃત્તિ, તકલીફો સહન કરવાની તૈયારી વગેરે વલણવૃત્તિ જીવનમાં કેળવવાં પડે. પછી એનો ઉપયોગ સિતારમાં કરવો કે ફૂટબોલમાં એ તમારી પસંદગીનો સવાલ છે.

આપણને જીવનમાં કાંઈક કરવાની – બનવાની ઈચ્છા થઈ આવે છે અને પછી આપણે તે કામ કરવાની તૈયારીમાં લાગી જઈએ છીએ. દા..ત, મારે લેખક થવું છે તો પછી સારા લેખક કેમ થવાય તેનાં પુસ્તકો વાંચવા માંડું. કોઈ સારા લેખકો કેવી રીતે બન્યા તેની સમજણ વધારવાનો પ્રયત્ન કરું. આ વખતે આપણામાંના ઘણા બધાં વચલો તબક્કો ભૂલી જઈએ છીએ. આપણી જાતને પૂછવું જોઈએ કે મારે શા માટે લેખક બનવું છે ? કોઈને માટે નહીં પણ મારે માટે જ મારી જાત સાથે આ સ્પષ્ટતા કરી લેવી જોઈએ. શા માટેનો જવાબ સ્પષ્ટ હશે તો કેવી રીતે કરવું તેના ઘણા વિકલ્પો મળી જશે. ‘શિક્ષિત મનુષ્ય’ની એક સમજ એ છે કે એને ઘણા બધા વિકલ્પો મળે છે. એટલે શું (What), શું કામ (Why) અને કેવી રીતે (How)ની ક્રમવાર સ્પષ્ટ સમજણ મેળવી લેવી જોઈએ અને તે પછી કેટલું (How much) પ્રમાણભાન, ક્યારે (When) સમયભાન અને ક્યાં (Where) જગ્યાનું ભાન રાખીએ તો આપણા કામમાં ભલીવાર આવે.

બીજો એક અગત્યનો મુદ્દો સમજી લેવા જેવો છે તે માનવી અને પશુ વચ્ચેનો તફાવત. કલાકો સુધી આ મુદ્દા પર ચર્ચા-વિચારણા થઈ શકે અને આપણે જે કાંઈ વાત કરીએ છીએ તેનો આ સાથે સંબંધ છે. જો મારે માનવ તરીકે જીવન જીવવું હોય તો કેટલાક મુદ્દાઓ અંગે સ્પષ્ટ સમજી લેવું જોઈએ. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના પ્રમાણે ચિંપાંઝી માનવ અને પશુને જોડતી કડી છે. ચિંપાંઝી સુધી પશુઓને વિચારવાની શક્તિ ન હતી. ચિંપાંઝીથી એક નવું પરિમાણ ઉમેરાયું તે મગજ વિચારતું થયું. માનવ અને પશુ બંનેમાં જીવ છે અને જીવ માત્રની પાયાની મૂળભૂત વૃત્તિઓ ચાર છે – આહાર, નિદ્રા, ભય અને મૈથુન. એમાં માનવ અને પશુ વચ્ચે કાંઈ જ તફાવત નથી. ફેર હોય તો એ છે કે પશુ વૃત્તિથી દોરવાય. માનવ પણ વૃત્તિથી દોરવાય પણ તેને માટે દોરાવાનું અનિવાર્ય નથી. એને વિચારવાની શક્તિ છે. એટલે એને જે કાંઈ વૃત્તિ થાય, કાંઈ કરવાનું મન થાય તો તે તપાસી શકે કે એમ કરવું વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે, હમણાં કરવા જેવું છે કે પછી, કેટલું કરવા જેવું છે વગેરેનો વિચાર કરી તે કરે કે ન કરે. ટૂંકમાં, માનવીને પસંદગીનો અધિકાર છે કે શું કરવું કે ન કરવું અને એટલે જ એ કાંઈ પણ કરે કે ના કરે તેને માટે એ જવાબદાર છે. એટલે મારી પાસે મારા કોઈ માપદંડ-મૂલ્યોની સમજણ હોવી જોઈશે, કોઈ અગ્રતાક્રમ હોવો જોઈશે, પ્રમાણભાન હોવું જોઈશે અને પસંદગી પ્રમાણે વર્તન કરી તેમાંથી ઊભી થતી જવાબદારી ઉપાડવાની તૈયારી હોવી જોઈશે. આ જાતની તૈયારી કરવાના ઘણા બધા રસ્તા હોઈ શકે પણ એક સહજપ્રાપ્ય સરળ રસ્તો છે વાંચવું-વિચારવું. અને સમાનધર્મી-સમાન વિચારની વ્યક્તિ સાથે ચર્ચા-વિચારણા કરી લેવી. કોઈ પણ વાત વિના વિચાર્યે સ્વીકારવી જોઈએ નહીં. ‘સૂનો સબકી પર કરો મનકી’ એ વાતમાં ઘણું તથ્ય છે. આ જ સંદર્ભે સમજતા જવું જોઈએ કે કોઈની કંઠી બાંધવાનો કે કોઈને ગુરુ તરીકે સ્વીકારવાનો કોઈ અર્થ નથી. આપણે લાલ રંગના ચશ્માં પહેરીએ તો બધું લાલ દેખાય અને લીલા રંગના ચશ્માં પહેરીએ તો બધું લીલું દેખાય. એટલે જેને મૂળ રંગ જોવાની ખુમારી હોય તેને પછી લાલ રંગ સારો કે લીલો રંગ સારોની ચર્ચાનો કોઈ અર્થ નથી. માટે કંઠી તો ગાંધીનીય નકામી ને સ્વામિનારાયણની પણ નકામી. ગાયત્રી પરિવાર હોય કે રજનીશજી હોય, વિવેકાનંદ હોય કે રમણ મહર્ષિ હોય, સાંભળો સૌને. વાંચો ઘણું બધું પણ જે વાંચ્યું-સાંભળ્યું એના પર વિચાર કરો. જે તમોને ઠીક લાગે તેટલું સ્વીકારો. જે સ્વીકારો એ પછી તમારો વિચાર છે. વિચાર કોઈની માલિકીનો નથી. અને તમો તમારા વિચારથી બંધાયેલા છો.

બીજી એક વાત સમજવા જેવી છે તે હું ઘણીવાર મારા છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે તમો બધા વિષયોમાં સુંદર રીતે વાંચો-તૈયારી કરો અને બધા વિષયોમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરો તે વખતે પણ તમારે માટે વાઈસ ચાન્સેલરથી માંડી કૉલેજના આચાર્ય, અધ્યાપકો સુધી કોઈ એ ખાતરી આપી શકે એમ નથી કે તમે ગોલ્ડ મેડલીસ્ટ હોવાને કારણે સારા પતિ-પત્ની કે જવાબદાર નાગરિક બનશો. જીવન ફક્ત ગોલ્ડ મેડલ, સબમીશન વર્ક, માર્કસ વગેરેમાં સમાતું નથી. જીવન ઘણું વિશાળ-ઊંડાણવાળું અર્થપૂર્ણ છે. સમગ્ર જીવન જીવવા માટે સમગ્ર શિક્ષણ લેવું પડશે. શિક્ષિત મનુષ્યનાં લક્ષણો શ્રી એ. ડી. ગોરવાલાએ જણાવ્યા છે તેવા તૈયાર થયેલા વિદ્યાર્થી ડિગ્રી લઈ સમાજમાં આવે એવું ઉદાત્ત ધ્યેય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓએ રાખવું જોઈએ અને સૌ લાગતા વળગતાઓએ આ દિશામાં નિષ્ઠાપૂર્વકનો પુરુષાર્થ કરવો જોઈશે અને તો જ આપણા કેળવણીના કાર્યનું એટલે કે આપણું સાર્થક્ય છે. અને તો જ સમાજને પણ લાગશે કે કેળવણી પાછળ કરેલું ખર્ચ એ ખર્ચ નથી પણ મૂડી રોકાણ છે.

આ જ વસ્તુને જરા જુદા સંદર્ભે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને બધાંને રિક્ષામાં મુસાફરી કરવાનો અનુભવ હશે જ. કેટલીક વખત રિક્ષા ઓચિંતી ખોટવાઈ જાય અને અટકી પડે તો તમે પૂછશો કે ભાઈ, બીજી રિક્ષા લઉં. રિક્ષાવાળો કહે છે ના સાહેબ. બે-ત્રણ મિનિટમાં ચાલુ કરી દઉં. અને ખરેખર એમ થાય છે અને તમોને સમયસર પહોંચાડે છે. પરંતુ કોઈક વખત રિક્ષા ચાલુ નથી થતી અને આપણે બીજી રિક્ષા લેવી પડે છે. સામાન્ય રીતે દરેક રિક્ષાવાળો સારી રીતે રિક્ષા ચલાવવા ઉપરાંત રિક્ષાના મશીનની સામાન્ય જાણકારી રાખે છે. પરંતુ એવો રિક્ષાવાળો કલ્પી લ્યો કે જે સારી રીતે રિક્ષા ચલાવે છે પણ રિક્ષા મિકેનીઝમનો બિલકુલ ખ્યાલ નથી અને નાની-મોટી કાંઈ પણ તકલીફ થાય કે તુર્ત જ લાચાર બની તમોને બીજી રિક્ષા લેવાનું કહેશે. આવું વારંવાર બનવાને કારણે તે રિક્ષાવાળાનો ધંધો ચાલતો નથી. આ જ પ્રમાણે એક સારા કેમીકલ એન્જિનિયર, ડૉક્ટર કે મેનેજમેન્ટ એક્ષ્પર્ટ હોઈએ તો સારી નોકરી મેળવીએ, પ્રતિષ્ઠાભર્યું સ્થાન મળે અને જીવન ગોઠવાય. પણ આ બધું ડ્રાઈવીંગ છે. પરંતુ જીવન જીવવા અંગેના ખ્યાલો ન મળ્યા હોય તો નાની મોટી તકલીફોમાં હેરાન થયા કરીએ, લાચાર થઈએ અને જીવવાની મઝા ન આવે. સ્વ વિકાસનો એક માપદંડ એ છે કે જીવનમાં આવતી નાની મોટી તકલીફોનો તમે કેવો-કેટલો સામનો કરી શકો છો.

એક બીજી વાત સમજી લેવા જેવી છે તે અકબર-બિરબલની વાતે સમજાઈ જાય. રાજ્યમાં લોકોને સૂચના અપાય છે કે દરેક કુટુંબમાંથી દરબારના હોજમાં એક લોટી દૂધ રેડી જવું. હોજ ઉપર સ્વચ્છ સફેદ ચાદર ઢાંકી છે. સાંજે ચાદર હટાવી ત્યારે હોજમાં નીતર્યું પાણી હતું. દરેક જણે એમ વિચાર્યું કે બીજાના દૂધમાં મારું પાણી નહીં દેખાય અને દરેકે પાણી રેડ્યું. વાત તો અહીં પૂરી થાય છે પણ સમજવાનું એ છે કે પોતે શું કરવાનું છે – દૂધ રેડવાનું છે – તે ધ્યાનમાં ન રાખ્યું. બીજો શું કરશે તે નક્કી કર્યું કે તે દૂધ રેડશે અને પોતે નહીં કરવાનું કાર્ય – પાણી રેડ્યું. મિત્રો, આજે સમાજમાં દરેક જણ પોતાની પાણીની લોટી લઈને બીજાના દૂધ આડે છુપાવવા ફરતો હોય છે. તો આપણામાંના કેટલાક એવો નિશ્ચય કરે, સમજણ કેળવે કે બીજા શું કરશે કે આજુબાજુ શું ચાલે છે તેની ફિકર કર્યા વગર મારે કરવાનું કામ હું કરતો રહીશ – મારી દૂધની લોટી રેડીશ. આ બધું જેટલી સરળતાથી કહેવાય છે એટલું સરળ-સહેલું અમલમાં મૂકવાનું શક્ય નથી. આ જાતનું એકપક્ષીય કામ કરવામાં એક મોટી આંતરિક તાકાત માંગી લ્યે છે. પણ પાંચ-દસ ટકા આ જાતની તૈયારી ન બતાવે તે સમાજ કદી વ્યવસ્થિત ચાલશે નહીં. લીટર દૂધનું દહીં બનાવવા એક-બે ચમચી મેળવણની જ જરૂર છે. આજે સમાજમાં મેળવણ ઓછું પડે છે. જેને આની નિસ્બત હોય તે સૌએ મેળવણ બનવાની દિશામાં પ્રયત્ન કરતા રહેવો જોઈશે.

આપણે બધાં જાણીએ છીએ કે સારું બી ખરાબ જમીનમાં ઊગે નહીં અને સારી જમીનમાં ખરાબ બી ઊગે નહીં. જમીન અને બી બંને સારી જાતનાં હોવાં જોઈએ. સમાજમાં પણ વ્યક્તિ અને સમાજ વચ્ચે આવું જ છે. વ્યક્તિ સમાજને ઘડવા તૈયાર થાય ત્યારે સમાજ તેને ઘડતો હોય છે. આમ પરસ્પર આપ-લેનો સંબંધ છે. પરંતુ અંતિમ પૃથક્કરણમાં તમારો વિશ્વાસ બી પર છે કે જમીન પર છે – વ્યક્તિ પર છે કે સમાજ પર છે. ક્યાં તો એવી વ્યક્તિઓ તૈયાર કરો કે જે સમાજમાં ગમે તે પરિસ્થિતિમાં પણ ગેરવર્તણૂક નહીં કરે અથવા એવી વ્યવસ્થા ગોઠવો કે જેમાં વ્યક્તિ બિનજવાબદાર ગેરવર્તણૂક કરી જ ન શકે. તમે જો બીજો વિકલ્પ સ્વીકારતા હોવ તો એવો પક્ષ ઊભો કરો કે કોઈ એવા પક્ષમાં જોડાઈ જાઓ કે જેમાં તમને વિશ્વાસ હોય અને ખાનગી-જાહેર સંસ્થાઓમાં ધરમૂળથી ફેરફારો કરી એવી સુંદર વ્યવસ્થા ગોઠવો કે જેમાં માનવીય જીવન જીવવાની અનુકૂળતા રહે. પ્રથમ વિકલ્પ પસંદ કરો તેમાં સ્વવિકાસની શરૂઆત કરો (કે જેની કોઈ મર્યાદા નથી) અને અન્ય અનુકૂળ વ્યક્તિઓ તૈયાર થાય એવા પ્રયત્ન કરો તો નવી વ્યવસ્થા ગોઠવવા માટે પાંચ-દસ ટકા માણસો પૂરતા છે. સ્વવિકાસની દિશામાં પ્રયત્નશીલ રહેનારે બે-ત્રણ મુદ્દા સમજી લેવા જોઈશે. આપણે જે કાંઈ વાંચીએ-સાંભળીએ તેનાથી માહિતી મળે, પણ માત્ર માહિતી જીવનમાં કામ ન લાગે. ચોક્કસ પ્રક્રિયા-પ્રયત્નોથી માહિતીને કાટ-છાંટ કરી વ્યવસ્થિત ગોઠવવી જોઈએ જેથી માહિતી જ્ઞાનમાં પરિણમે. આપણી પોતાની કુશળતા, મર્યાદા, સગવડ ધ્યાનમાં લઈ જ્ઞાનમાંથી જીવન જીવવાની એક સમજણ પેદા કરવી જોઈએ જે ડહાપણ કહેવાય. આમ માહિતીમાંથી જ્ઞાન અને જ્ઞાનમાંથી ડહાપણ મળે તો ઈચ્છાશક્તિ મુજબ ડહાપણ જીવનમાં કામ લાગે.

આપણે જે માનતા હોઈએ તે જ કહીએ અને કરીએ. આચાર-વિચાર વચ્ચેનો ભેદ લગભગ મિટાવી દેવો જોઈએ. જીવનમાં સમાધાન કરતા રહેવું પડે છે પણ સમાધાન કરીએ ત્યારે શું સમાધાન કરીએ છીએ અને શેને માટે સમાધાન સ્વીકારીએ છીએ તે સતત તપાસતા રહેવું જોઈએ. હું જે નથી માનતો તેવું કરું છું અને માનું છું તે નથી કરતો ત્યારે એની પાછળ ક્યાં પરિબળો – લાલચ, ભય વગેરે કામ કરે છે તે સમજતા રહેવું જોઈએ. આવી સતત જાગૃત જીવનશૈલી ન હોય તો જીવનનો કોઈ અર્થ નથી.

વળી આજે આપણે સૌ સમયમર્યાદા – Time bound – અને પરિણામલક્ષી – Result Oriented – કામની વાત કરીએ, પરંતુ જે મિત્રો વ્યક્તિ-સમષ્ટિના સમગ્ર-સ્વસ્થ વિકાસમાં મદદરૂપ થવાની ઈચ્છા રાખે છે તેમણે સમયની વાતને તથા પ્રયત્નોની અસરકારકતાને જરા જુદા સ્વરૂપે સમજી લેવી જોઈશે. તમોને બધાને ખ્યાલ હશે કે ઘણા જીવજંતુ એવા હોય છે જે જન્મે છે અને એક-બે મિનિટમાં જ મરી જાય છે. આવું એકાદ જીવડું ગુલાબના છોડની બાજુમાં જન્મે છે અને ખીલતા ગુલાબને જુએ છે. મરતી વખતે દોઢ-બે મિનિટમાં ગુલાબમાં જે ફેરફાર થયો તે એ જોઈ-સમજી શકે નહીં અને એવી માન્યતા સાથે મરે કે દુનિયામાં કશું પરિવર્તન થતું નથી. તો મિત્રો પાંચસો-હજાર વર્ષે પૂરી થાય એવી કામગીરી આપણે ઉપાડી હોય ત્યારે 30-40 વર્ષના સંનિષ્ઠ પ્રયત્નોનું પરિણામ કદાચ આપણા જીવનકાળ દરમ્યાન ન પણ દેખાય. તો તે કારણે આપણા પ્રયત્નો નિષ્ફળ છે, કાંઈ પરિણામ ન આવ્યું વગેરે હતાશાને કારણ નથી. ગીતા ખાતરી આપે છે કે સારું કાર્ય નિષ્ફળ જતું નથી તો આપણા પ્રયત્નો વાજબી કક્ષાએ રાખીએ અને નિષ્ફળ નહીં જાય એવો વિશ્વાસ રાખીએ. આ સંદર્ભે ગાંધીનો સાધનશુદ્ધિનો આગ્રહ સમજવા જેવો છે.

માનવજીવનના વિકાસના ચાર તબક્કા છે. રજનીશજી એને જંગલ, વનરાજી (forest) , બગીચો (Garden) અને ઘર (Home) તરીકે ઓળખાવે છે. સામાન્ય ભાષામાં કહીએ તો ગાઢ નિદ્રાવસ્થા, સ્વપ્નાવસ્થા, જાગૃત અને અંતે તુરીયાવસ્થા. ઊંઘમાંથી આપણે જાગીએ અને રોજિંદા કામમાં ગોઠવાઈએ પણ એ એક બીજા પ્રકારની ઊંઘ જ છે. એમાંથી જાગીએ-જાગૃત થઈએ તો આંતરયાત્રા આગળ વધે. નરસિંહ મહેતાએ કહ્યું છે કે, ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે.’ તો જાગીને જોઈએ તો જગત દેખાય કે ના દેખાય ? આ મારું કુટુંબ, મારું ઘર વગેરે બધું દેખાય છે તે જાગૃત થયા નથી ત્યાં સુધી. જાગૃત થઈએ તો ખ્યાલ આવે કે જગત મિથ્યા છે. અને સાચી દિશામાં સમજપૂર્વકનું દર્શન શરૂ થાય. આ ચાર તબક્કાનાં લક્ષણો સમજી-તપાસી આપણે ક્યે તબક્કે છીએ તે સમજી તુરીયાવસ્થાએ પહોંચવાના યથાશક્તિ પ્રયત્નો કરતા રહીએ.

એક વાર્તા સાથે મારી વાત પૂરી કરું. બાપુજી છાપું વાંચે છે અને દીકરો બાજુમાં બેઠો હેરાન કર્યા કરે છે. છેવટે બાજુમાં પડેલા દુનિયાના નકશાના ટુકડા કરી બાળકને નકશો ફરી ગોઠવવાનું કહે છે. બાપુજીને એમ કે હવે નિરાંતે વાંચીશું પણ થોડીક વારમાં જ દીકરાએ બૂમ પાડી કે બાપુજી નકશો ગોઠવાઈ ગયો. બાપુએ જોયું તો બધું બરાબર હતું. એમને થયું કે હું જે ન કરી શકું તે બાળકે કેવી રીતે ગોઠવ્યું ? દીકરો કહે કે પાછળ માણસનું ચિત્ર હતું. માણસ ગોઠવ્યો તો દુનિયા ગોઠવાઈ ગઈ. મિત્રો, સમજ પડીને ? માણસ ગોઠવાય તો દુનિયા ગોઠવાય. બાકી વિજ્ઞાન, ટેકનોલોજી ફાંફા મારે. બીજું કાંઈ ન કરી શકે. આપણે આપણી જાતને માણસ ગણતા હોઈએ તો જાતને ગોઠવવાની શરૂઆત કરીએ. બીજા કેટલાક સહયાત્રીઓ મળી આવશે. કદાચ આ બહુ લાંબો-અઘરો માર્ગ લાગતો હોય તો પણ એ જ સાચી દિશા છે અને એ જ જીવનશૈલી ગોઠવવા જેવી છે.

[કુલ પાન : 88. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : શ્રી જયંત ઓઝા. 1, જાનકી એપાર્ટમેન્ટ. નૂતન કલબની બાજુમાં, નાનાબજાર, વલ્લભવિદ્યાનગર. ગુજરાત.]

Posted by mrugesh78 on July 6, 2009.

Tags:

Categories: સાહિત્ય લેખ

18 Responses

  1. બાપુજી છાપું વાંચે છે અને દીકરો બાજુમાં બેઠો હેરાન કર્યા કરે છે. છેવટે બાજુમાં પડેલા દુનિયાના નકશાના ટુકડા કરી બાળકને નકશો ફરી ગોઠવવાનું કહે છે. બાપુજીને એમ કે હવે નિરાંતે વાંચીશું પણ થોડીક વારમાં જ દીકરાએ બૂમ પાડી કે બાપુજી નકશો ગોઠવાઈ ગયો. બાપુએ જોયું તો બધું બરાબર હતું. એમને થયું કે હું જે ન કરી શકું તે બાળકે કેવી રીતે ગોઠવ્યું ? દીકરો કહે કે પાછળ માણસનું ચિત્ર હતું. માણસ ગોઠવ્યો તો દુનિયા ગોઠવાઈ ગઈ. મિત્રો, સમજ પડીને ? માણસ ગોઠવાય તો દુનિયા ગોઠવાય. બાકી વિજ્ઞાન, ટેકનોલોજી ફાંફા મારે. બીજું કાંઈ ન કરી શકે. આપણે આપણી જાતને માણસ ગણતા હોઈએ તો જાતને ગોઠવવાની શરૂઆત કરીએ.
    What an excellent example…

    by Margesh on Jul 6, 2009 at 10:48 am

  2. good article.

    by Veena Dave, USA on Jul 6, 2009 at 8:25 pm

  3. બહુ સરસ, ઘણી મઝા આવી.

    by pravin on Jul 7, 2009 at 2:54 am

  4. After long time some thing Great read આભર

    by Jignesh on Jul 7, 2009 at 8:22 am

  5. રીડગુજરાતી પરના શ્રેષ્ઠ લેખમાનો એક આ લેખ છે.
    Truly exceptional article.

    by કલ્પેશ on Jul 7, 2009 at 9:19 am

  6. મજા આવી… આવા વિચાર કરવાની પ્રેરણા આપતા લેખો વધારે આપો તો ગમશે.

    by Niraj on Jul 7, 2009 at 11:51 am

  7. માણસ ગોઠવ્યો તો દુનિયા ગોઠવાઈ ગઈ.

    વાંચીને મમળાવવા લાયક લેખ. ખૂબ જ સુંદર દ્રષ્ટાંતો.
    ખૂબ જ સરસ. જીવન જીવવા માટે માર્ગદર્શક બની શકે એવો લેખ.

    ખૂબ આભાર,
    નયન

    કોઈક ફિલસૂફે કહ્યું છે તેમ આપણને પંખી કરતાં વધુ સારી રીતે ઊડતાં આવડે છે, માછલી કરતાં વધુ કુશળતાથી પાણી નીચે રહી શકીએ છીએ પણ માનવી તરીકે પૃથ્વી પર કેવી રીતે જીવવું તે આવડતું નથી.

    જેનું જેટલું ‘મૂલ્ય’ હોય છે તેના પ્રમાણમાં જ એની ‘કિંમત’ ચૂકવવાની આપણી તૈયારી હશે.

    એટલે શું (What), શું કામ (Why) અને કેવી રીતે (How)ની ક્રમવાર સ્પષ્ટ સમજણ મેળવી લેવી જોઈએ અને તે પછી કેટલું (How much) પ્રમાણભાન, ક્યારે (When) સમયભાન અને ક્યાં (Where) જગ્યાનું ભાન રાખીએ તો આપણા કામમાં ભલીવાર આવે.

    by nayan panchal on Jul 7, 2009 at 9:35 pm

  8. માણસ (વ્યક્તિ) ના ઘડ્તર કેવુ હોવુ જોઈએ અને કેવિ રિતે કરિ સકાય અને એક જવાબદાર વ્યક્તિ ના ઘડ્તર માટે આ પુસ્તક ના રચેતા જ સચિ સમજઆ આપિ સકે.

    by PAMAKA on Jul 8, 2009 at 11:00 am

  9. I can say that the best article I ever read. Every concept has been explained with exaples that makes so easy to understand and grasp. આપણામાંના કેટલાક એવો નિશ્ચય કરે, સમજણ કેળવે કે બીજા શું કરશે કે આજુબાજુ શું ચાલે છે તેની ફિકર કર્યા વગર મારે કરવાનું કામ હું કરતો રહીશ – મારી દૂધની લોટી રેડીશ Yes I will do it.

    by dipika on Jul 8, 2009 at 7:09 pm

  10. ecellent praikh saheb……….
    a very deep thinking and superb artical……..

    manav agar manav bani ne rHE TO A A DUNIYA DEVLOK BANI JASE …….
    BELEIVE ME YAAR//////////////
    THANKS FOR UR VERY NICE ARTICAL

    by Naresh Badlani on Jul 9, 2009 at 11:02 pm

  11. ખુબ જ ઉમદા,ઉપયોગી કહીસકાય તેવો લેખ.
    આભાર.
    વ્રજ

    by Vraj Dave on Jul 21, 2009 at 12:39 am

  12. Glad to receive your response to the article. If okay, please send your cell number, e-mail, reseidence address or any other detail whereby you can be contacted for exchange of views and / or sending you further articles.

    My residence address:
    Near Sardar Patel Statue,
    Vallabh Vidyanagar – 388 120
    GUJARAT, INDIA

    Cell No. 09825852702

    by Suresh Parikh on Aug 11, 2009 at 6:01 pm

  13. Balanced article with good examples.

    કંઠી તો ગાંધીનીય નકામી ને સ્વામિનારાયણની પણ નકામી. ગાયત્રી પરિવાર હોય કે રજનીશજી હોય, વિવેકાનંદ હોય કે રમણ મહર્ષિ હોય, સાંભળો સૌને. વાંચો ઘણું બધું પણ જે વાંચ્યું-સાંભળ્યું એના પર વિચાર કરો. જે તમોને ઠીક લાગે તેટલું સ્વીકારો. જે સ્વીકારો એ પછી તમારો વિચાર છે. વિચાર કોઈની માલિકીનો નથી. અને તમો તમારા વિચારથી બંધાયેલા છો.

    Truly agree. Just one “kanthi” stops your individual thinking and you become part of the frog community. Many examples around…

    Ashish Dave
    Sunnyvale, California

    by Ashish Dave on Sep 5, 2009 at 6:49 pm

  14. લીટર દૂધનું દહીં બનાવવા એક-બે ચમચી મેળવણની જ જરૂર છે. આજે સમાજમાં મેળવણ ઓછું પડે છે. જેને આની નિસ્બત હોય તે સૌએ મેળવણ બનવાની દિશામાં પ્રયત્ન કરતા રહેવો જોઈશે.
    પાંચ-દસ ટકા માણસ જો મેળ્વણ બનેી રહે તો સમાજ્મા ઉદાહરન બનિ શકે.

    by Arvind Bodara on Sep 5, 2009 at 9:35 pm

  15. કોઈ એ ખાતરી આપી શકે એમ નથી કે તમે ગોલ્ડ મેડલીસ્ટ હોવાને કારણે સારા પતિ-પત્ની કે જવાબદાર નાગરિક બનશો. જીવન ફક્ત ગોલ્ડ મેડલ, સબમીશન વર્ક, માર્કસ વગેરેમાં સમાતું નથી.

    how true!

    by nirlep bhatt on Dec 7, 2009 at 5:08 pm

  16. ખરી વાત કહી આશિષભાઈ,

    કોઈપણ ચિંતન કે વિચાર વ્યક્તિબધ્ધ, ગ્રંથબધ્ધ અથવા પુસ્તકબધ્ધ થાય એટલે તે તેની મૌલિકતા ખોઈ બેસે છે અને ત્યાં થી પ્રગતિ અટકી જાય છે.

    ફલાણા મહારાજ જે બોલે કે લખે તે જ સાચુ અને બાકી બધું મિથ્યા….. અથવા અમારા પ. પુ. ધ. ધુ. એ આ પુસ્તક લખ્યું છે માટે તે જ સાચું અને તેમ જ અનુસરવુ તે ઘેટાંપણુ છે.

    ઉત્તમ બધેથી પ્રાપ્ત કરો…….મિથ્યા છોડી દો……….અને ઉત્તમને પારખવાની કે વિચારવાની પ્રેરણા ઈશ્વર તમને આપે તેવી પ્રાર્થના કરો. કોઈપણ ‘કંઠી’ બાંધવી એટલે વિચારોની ગુલામી અપનાવવી.

    તમારા વિચારોની સ્વતંત્રતા નું પણ રક્ષણ કરો.

    by Jagat Dave on Dec 7, 2009 at 6:16 pm

  17. જો તમને મારા વિચારો ગમે તો તમારુ સરનામુ અને ફોન નમ્બર મોકલશો. My address is Suresh Parikh, Hon. Director, Human Developement Centre, Charutar Vidyamandal, Vallabh Vidyanagar.388120
    Cell no.: 09726366704

    by Sursh Parikh on Feb 13, 2010 at 3:24 pm

  18. Very nice thoughts… I read once that, if you go to cemetery and read what has been written on the stones… It always says that

    “Beloved Wife or mother or daughter or husband or father or son or grandmother or grandfather or uncle or aunt”

    Have you ever read “Gold Medalist or Best Doctor or Best Manager or Best Salesman…?”

    What matters is what kind of person you are not your degree or your qualifications… so if possible concentrate on being human kind enough to help….

    by Nisha on Feb 25, 2010 at 10:35 pm

Leave a Reply

 

« | »



નવા લેખો