સત્ય એ જ ઈશ્વર છે – ગાંધીજી
[આજે ગાંધી નિર્વાણ દિન તેમજ શહીદ દિન નિમિત્તે પૂ. મહાત્માના ચરણોમાં વંદન કરીને તેમના ‘સત્ય એ જ ઈશ્વર છે’ પુસ્તકમાંથી કેટલાક પ્રકરણને હૃદયસ્થ કરવાનો પ્રયત્ન કરીએ. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1] મૌનનો મહિમા
સત્યના શોધકે મૌન રહેવું જોઈએ એવું મને ઘણી વાર લાગ્યું છે. ધારેલાં પરિણામ લાવવાની મૌનની અદ્દભુત શક્તિનો મને પરિચય છે. દક્ષિણ આફ્રિકામાં હું એક ટ્રેપિસ્ટ સાધુઓનો મઠ જોવા ગયો હતો. તેમાંના ઘણાખરા મૌનવ્રતધારી મુનિ હતા. મેં મઠના વડાને આવું વ્રત ધારણ કરનારાઓનો આશય શો છે તે પૂછ્યું અને તેમણે કહ્યું કે તે સ્પષ્ટ છે. ‘આપણે બધા નબળા માનવી જીવો છીએ. ઘણી વાર આપણે શું બોલીએ છીએ તેનું આપણને ભાન હોતું નથી. આપણે કાયમ બોલ બોલ કર્યા કરીએ તો આપણા અંત:કરણમાંથી ઊઠતો શાંત ઝીણો અવાજ આપણે કાને નહીં પડે.’ એ કીમતી પાઠનો મર્મ હું સમજ્યો. મૌનના રહસ્યનો મને પરિચય છે.
અનુભવે મને એ પણ બતાવ્યું છે કે સત્યના પૂજારીએ મૌનનું સેવન કરવું ઘટે છે. જાણ્યેઅજાણ્યે પણ મનુષ્ય ઘણી વેળા અતિશયોક્તિ કરે છે અથવા જે કહેવા યોગ્ય હોય તે છુપાવે કે જુદી રીતે કહે છે. આવાં સંકટોમાંથી બચવાને ખાતર પણ અલ્પભાષી થવું આવશ્યક છે. થોડું બોલનાર વગર વિચાર્યે નહીં બોલે; પોતાના દરેક શબ્દને તોળશે. ઘણી વેળા માણસ બોલવાને અધીરો બને છે. ‘મારે પણ બોલવું છે’ એવી ચિઠ્ઠી ક્યા પ્રમુખને નહીં મળી હોય ? પછી તેને વખત આપવામાં આવ્યો હોય તે તેને સારુ પૂરતો નથી થતો. વધારે બોલવા દેવાની માગણી કરે છે, ને છેવટે રજા વિના પણ બોલ્યા કરે છે ! આ બધાના બોલવાથી જગતને લાભ થયેલો ભાગ્યે જ જોવામાં આવે છે. તેટલા વખતનો ક્ષય થયેલો તો સ્પષ્ટ જોઈ શકાય છે.
આ વસ્તુનો વિચાર કરીએ છીએ ત્યારે એમ લાગ્યા વિના રહેતું નથી કે આપણે ક્રોધથી ભરેલાં માનવીઓ જો મૌનની ઉપયોગિતા સમજીએ તો જગતની લગભગ અડધી આપત્તિ ઓછી થઈ જાય. આધુનિક સુધારો આવી પડ્યો તે પહેલાં ચોવીસ કલાકમાંથી પાંચ-છ કલાક તો શાંતિના આપણને મળતા જ હતા. આધુનિક સુધારાએ આપણને રાતનો દિવસ કરતાં ને સુવર્ણસમ શાંતિને બદલે પાર વિનાનાં હોહા ને શોરબકોર કરતાં શીખવ્યું. આપણે આપણા પ્રવૃત્તિમય જીવનમાં દિવસમાં ઓછામાં ઓછા બે કલાક પણ એકાંતમાં ગાળી શકીએ અને એ પરમ મૌનનો અવાજ સાંભળી શકીએ તો કેવું સારું ! એ ઈશ્વરી રેડિયો તો હંમેશાં વાગી જ રહ્યો છે, માત્ર એ સાંભળવા માટે આપણા કાન ને મન તૈયાર કરવાં રહે છે. પણ એ રેડિયો મૌન વિના સંભળાય એવો નથી.
ખ્રિસ્તી સંત ટેરેસાએ મૌનના સુંદર પરિણામનું સરસ વર્ણન કરતાં કહ્યું છે : ‘તમારી બધી ઈન્દ્રિયો એકદમ ભેગી મળીને એકતાન બનતી તમને લાગશે; મધમાખો મધપૂડામાં પાછી ફરીને મધ બનાવવાનું કામ કરવા પુરાઈ રહે એના જેવી એ લાગશે : અને આને સારુ તમારે પ્રયત્ન કે કાળજી નહીં કરવા પડે. આમ તમારો આત્મા પોતા પ્રત્યે જે બળજબરી કરે તેનું સુફળ ઈશ્વર તેને આપે છે; અને તેને ઈન્દ્રિયો પર એટલું પ્રભુત્વ આપે છે કે એ આત્મા જ્યારે સ્વસ્થ, અંતર્મુખ થવા માગે ત્યારે એક નિશાની કરતાંવેંત ઈન્દ્રિયો એનું માની જાય છે ને બાહ્ય વસ્તુઓ પરથી પાછી વળીને અંતર્મુખ બની જાય છે. સંકલ્પનું બળ પહેલી વાર અજમાવતી વખતે તે જલદી જલદી પાછી ફરે છે. આખરે, એવા ઘણા પ્રયત્ન પછી, ઈશ્વર એ ઈન્દ્રિયોને સંપૂર્ણ સમત્વ અને સંપૂર્ણ નિદિધ્યાસનની સ્થિતિએ પહોંચાડે છે.’
એ મૌન મારા શરીર તેમ જ આત્માને બંનેને આવશ્યક થઈ પડ્યું છે. મૂળ તો મનનો બોજો હળવો કરવાને એ લીધેલું. વળી મારે લખવાને સારુ વખત જોઈતો હતો. પણ કેટલાક વખત સુધી મૌન રાખ્યા પછી મેં એની આધ્યાત્મિક ઉપયોગિતા જોઈ. મારા મનમાં એકદમ ઝબકારાની પેઠે ઊગી આવ્યું કે એ વખતે હું ઈશ્વરપ્રણિધાન સારામાં સારું કરી શકું છું અને હવે મને લાગે છે કે મૌન મારે સારુ સ્વભાવસિદ્ધ વસ્તુ છે. મારા જેવા સત્યના શોધકને સારુ મૌન મોટી મદદરૂપ થાય છે. મૌનની સ્થિતિમાં આત્માને પોતાનો રસ્તો વધારે સ્પષ્ટ દેખાય છે અને પહેલાં મનની પકડમાંથી સરી જતું તેમ જ ભ્રામક ભાસનારું ઓગળીને સ્ફટિક જેવું સાફ સૂઝવા લાગે છે. આપણું જીવન સત્યની લાંબી તેમ જ કઠણ ખોજના સ્વરૂપનું છે અને આત્માને પોતાના સંપૂર્ણ ઉચ્ચ સ્વરૂપને પામવાને અંતરની નિરાંત ને આરામની જરૂર રહે છે.
[2] અપરિગ્રહનો ધર્મ
સત્યશોધક, અહિંસક પરિગ્રહ ન કરી શકે. પરમાત્મા પરિગ્રહ કરતો નથી. તેને ‘જોઈતી’ વસ્તુ તે રોજની રોજ પેદા કરે છે. એટલે જો આપણે તેની ઉપર વિશ્વાસ રાખીએ તો સમજીએ કે આપણને જોઈતી વસ્તુ તે રોજની રોજ આપે છે, આપશે. રોજના પૂરતું જ રોજ પેદા કરવાના ઈશ્વરી નિયમને આપણે જાણતા નથી, અથવા જાણવા છતાં પાળતા નથી. તેથી જગતમાં વિષમતા ને તેથી થતાં દુ:ખો અનુભવીએ છીએ. ધનાઢ્ય ને ત્યાં તેને ન જોઈતી વસ્તુઓ ભરી હોય છે, રખડી જાય છે, બગડી જાય છે; જ્યારે તેમને અભાવે કરોડો રવડે છે, ભૂખે મરે છે, ટાઢો ઠરે છે. સહુ પોતાને જોઈતો જ સંગ્રહ કરે તો કોઈને તંગી ન આવે ને સહુને સંતોષ રહે. આજ તો બંને તંગી અનુભવે છે. કરોડપતિ અબજપતિ થવા મથે છે, તોયે તેને સંતોષ નથી રહેતો. કંગાળ કરોડપતિ થવા ઈચ્છે છે; કંગાળને પેટપૂરતું જ મળવાથી સંતોષ પેદા થતો જોવામાં નથી આવતો. પણ કંગાળને પેટપૂરતું મળવાનો અધિકાર છે, અને સમાજનો તેને તેટલું મેળવતો કરવાનો ધર્મ છે. તેથી તેના અને પોતાના સંતોષને ખાતર ધનાઢ્યે પહેલ કરવી ઘટે. તે પોતાનો અત્યંત પરિગ્રહ છોડે તો કંગાળને પોતા પૂરતું સહેજે મળી રહે અને બંને પક્ષ સંતોષનો પાઠ શીખે.
આદર્શ આત્યંતિક અપરિગ્રહ તો મનથી અને કર્મથી જે દિગંબર છે તેનો જ હોય. એટલે કે તે પક્ષીની જેમ ઘર વિનાનો, વસ્ત્ર વિનાનો અને અન્ન વિનાનો વિચરશે. અન્ન તો તેને રોજ જોઈશે તે ભગવાન આપી રહેશે. આ અવધૂત સ્થિતિને તો કોઈક જ પહોંચી શકે. આપણે સામાન્ય કોટિના સત્યાગ્રહી, જિજ્ઞાસુ આદર્શને ધ્યાનમાં રાખીને જેમ બને તેમ નિત્ય આપણો પરિગ્રહ તપાસીએ ને ઓછો કરતાં જઈએ. ખરા સુધારાનું, ખરી સભ્યતાનું લક્ષણ પરિગ્રહનો વધારો નથી, પણ તેનો વિચારપૂર્વક ઘટાડો છે. જેમ પરિગ્રહ ઓછો કરીએ તેમ તેમ ખરું સુખ ને ખરો સંતોષ વધે છે, સેવાશક્તિ વધે છે….. અભ્યાસથી મનુષ્ય પોતાની હાજતો ઘટાડી શકે છે; ને જેમ ઘટાડતો જાય છે તેમ તે સુખી, શાંત અને બધી રીતે આરોગ્યવાન થાય છે. કેવળ સત્યની, આત્માની દષ્ટિએ વિચારતાં શરીર પણ પરિગ્રહ છે. ભોગેચ્છાથી આપણે શરીરનું આવરણ ઊભું કર્યું છે ને તેને ટકાવી રાખીએ છીએ. ભોગેચ્છા અત્યંત ક્ષીણ થાય તો શરીરની હાજત મટે, એટલે મનુષ્યને નવું શરીર ધારણ કરવાપણું ન રહે. આત્મા સર્વવ્યાપક હોઈ શરીરરૂપી પાંજરામાં કેમ પુરાય ? એ પાંજરાને ટકાવવા સારુ અનર્થો કેમ કરે ? ત્રીજાને કેમ હણે ? આમ વિચાર કરતાં આપણે આત્યંતિક ત્યાગને પહોંચીએ છીએ, અને શરીર છે ત્યાં લગી તેનો ઉપયોગ કેવળ સેવાને અર્થે કરતાં શીખીએ છીએ; તે એટલે લગી કે તેનો ખરો ખોરાક જ સેવા થઈ પડે છે. તે ખાય છે, પીએ છે, સૂએ છે, બેસે છે, જાગે છે, ઊંઘે છે, તે બધું સેવાને જ અર્થે. આમાંથી ઉત્પન્ન થતું સુખ ખરું સુખ છે. ને આમ કરતો મનુષ્ય છેવટે સત્યની ઝાંખી કરશે. આ દષ્ટિએ આપણે સહુ આપણો પરિગ્રહ વિચારી લઈએ.
આટલું યાદ રાખવા યોગ્ય છે કે જેમ વસ્તુનો તેમ વિચારનો પણ અપરિગ્રહ હોવો જોઈએ. જે મનુષ્ય પોતાના મગજમાં નિરર્થક જ્ઞાન ભરી મૂકે છે તે પરિગ્રહી છે. જે વિચાર આપણને ઈશ્વરથી વિમુખ રાખે છે અથવા ઈશ્વર પ્રતિ ન લઈ જતો હોય તે બધા પરિગ્રહમાં ખપે, અને તેથી ત્યાજ્ય છે. આવી વ્યાખ્યા ભગવાને તેરમા અધ્યાયમાં જ્ઞાનની આપી છે તે આ પ્રસંગે વિચારી જવી ઘટે છે. અમાનિત્વ ઈત્યાદિને ગણાવીને કહી દીધું કે તેની બહારનું જે બધું તે અજ્ઞાન છે; આ ખરું વચન હોય – અને ખરું છે જ – તો આજે આપણે ઘણું જે જ્ઞાનને નામે સંઘરીએ છીએ તે અજ્ઞાન જ છે ને તેથી લાભને બદલે હાનિ થાય છે; મગજ ભમે છે, છેવટ ખાલી થાય છે; અસંતોષ ફેલાય છે અને અનર્થો વધે છે. આમાંથી કોઈ મંદતાને તો નહીં જ ઘટાવે. પ્રત્યેક ક્ષણ પ્રવૃત્તિમય હોવી જોઈએ. પણ તે પ્રવૃત્તિ સાત્વિક હોય, સત્ય તરફ લઈ જનારી હોય. જેણે સેવાધર્મ સ્વીકાર્યો છે તે એક ક્ષણ પણ મંદ રહી શકે જ નહીં. અહીં તો સારાસારનો વિવેક શીખવાનો છે. સેવાપરાયણને એ વિવેક સહજપ્રાપ્ત છે.
એટલે બધું તજો, એ ઈશ્વરને અર્પણ કરો, ને એ રીતે જીવો. એ ત્યાગમાંથી જીવવાનો અધિકાર મળે છે. એમાં નથી કહેલું કે ‘બીજા સૌ પોતાના ભાગનું કામ કરશે ત્યારે હું પણ કરીશ.’ એમાં તો કહેલું છે કે ‘બીજાની ફિકર નહીં કરતા. પહેલાં તમારું કામ કરો ને બાકીનું ઈશ્વર પર છોડી દો.’ ઈશુ, મહમદ, બુદ્ધ, નાનક, કબીર, ચૈતન્ય, શંકર, દયાનંદ, રામકૃષ્ણ એ બધા પુરુષોએ હજારો બલકે લાખો માણસોના ચારિત્ર્ય પર પ્રભાવ પાડી તેને ઘડ્યું છે. તે બધા આ પૃથ્વી પર જીવ્યા તેથી તે વધારે સમૃદ્ધ જ થયેલી છે. અને એ સૌએ ગરીબી એટલે કે અપરિગ્રહનો સમજપૂર્વક અંગીકાર કર્યો હતો.
મહાસૂત્ર એ છે કે… જે વસ્તુ કરોડોને નથી મળી શકતી તે વસ્તુનો આપણે ત્યાગ કરવો. આ પ્રમાણે ત્યાગ કરવાની શક્તિ આપણામાં એકાએક નથી ઊતરી આવવાની. પહેલી તો આપણે એવી મનોવૃત્તિ કેળવવી પડશે કે જે કરોડોને ન મળી શકે એવી વસ્તુઓ અને સગવડો લેવાની ના પાડવી; અને ત્યાર પછી તુરત બીજી આવશ્યકતા એ છે કે એ વૃત્તિને અનુરૂપ આપણા જીવનક્રમમાં જેમ બને તેટલો જલદી ફેરફાર કરી નાખવો.
ટૂંકમાં, આજની ફિકર આપણે રાખીએ તો કાલની ફિકર કરવાવાળો ઈશ્વર બેઠો છે.
[કુલ પાન : 144. કિંમત રૂ. 10. પ્રાપ્તિસ્થાન : ગાંધી આશ્રમ, પ્રસિદ્ધ ગાંધી સાહિત્યની દુકાનો તેમજ નવજીવન મુદ્રણાલય, અમદાવાદ.]
Categories: આધ્યાત્મિક લેખ
ખુબ જ સરસ લેખ . .મે કયાક વાચ્યુ હ્તુ .. તે જ્ણાવુ……..
આકાશમાથી ગાધીજીએ મોક્લ્યો છે આ સવાલ્,
મારા ગયા પછી શુ શુ થયુ છે? શા વતન ના હાલ્ચાલ્,
દિલ્હી થી ઉતર ગયો ; અફસોસ કે ન્હોતા બાપુ, તમે
બાપુ, અમે ફોડિને એટમ્બોમ્બ કીધી છે ક્માલ ! ! ! !
by Jalpa B. Gondalia on Jan 30, 2010 at 8:49 am
કેવો તુ કિમતી હ્તો ,સસ્તો બની ગ્યો,
બનવુ હ્તુ ન્હી ને શિરસ્તો બની ગયો,
ગાધી, તને ખબર છે કે તારુ થયુ છે શુ?
ખુરશી સુધી જ્વાનો તુ રસ્તો બની ગયો !!
by Jalpa B. Gondalia on Jan 30, 2010 at 8:59 am
સુંદર વાત.
ક્યારે ક્યાં કેટલું બોલવું જો એટલું ધ્યાન રાખીએ તો ઘણા બધા પ્રશ્નો આપોઆપ ઉકલી જાય.
by Hiral Vyas "Vasantiful" on Jan 30, 2010 at 9:15 am
ગાંધીજી અને એમના વિચારો શ્રેષ્ડ છે પણ અમલમા મૂકવુ એટલુ જ ભારે.
મૃગેશભાઇઃ ગાંધીજી માટેના લેખ સમયસર છે.
પણ એક વાત આ લેખમા મને પરસ્પર વિરોધી લાગી અથવા સમજી ન શક્યો
“અથવા જે કહેવા યોગ્ય હોય તે છુપાવે કે જુદી રીતે કહે છે”
આ વાક્ય માટે યુધિષ્ઠિર (નરો વા કુંજરો વા) અને કૃષ્ણ (ભીમ અને દુર્યોધનનુ ગદાયુદ્ધ) યાદ આવે છે.
અહિંસા માટેની પ્રેરણા ગીતા (જે યુદ્ધભૂમિ પર બોલાયેલ છે) ગાંધીજીને મળી એ કોઇ ગીતાનો સમજુ વાચક સમજાવશે?
by કલ્પેશ on Jan 30, 2010 at 11:09 am
અને અંગ્રેજીમા કહુ તો ગાંધીજી અને દરેક અવતારી પુરુષના વિચારો idealist છે કારણ દુનિયા (હજી સુધી) ideals પર નથી ચાલતી. realism/pragmatism ની જરુરત છે જે મને કૃષ્ણના શબ્દોમા દેખાય છે.
જો ગાંધીજીને પૂર્ણપણે સ્વીકારી લઇએ તો ચાણક્ય/કૃષ્ણ ન વિચારો ક્યા?
by કલ્પેશ on Jan 30, 2010 at 11:14 am
Sorry for extra comment. I wish the edit option for comment could be made available.
મને લાગે છે કે દરેક વિચારોને સમય પ્રમાણે માન છે.
આઝાદીની લડત વખતે આપણે નિશસ્ત્ર હતા અને લડવુ હોય તો પણ આપણા ભાઇબંધુઓ (જે અંગ્રેજોની નોકરી કરતા) એમની સામે હતુ. એટલે નુકસાન તો બન્ને રીતે ભારતનુ જ હતુ.
અહિંસક લડાઇ એ સમયે એક રસ્તો હતો.
એ જ સમયે નેતાજી/ભગતસિંહ વગેરેએ બીજો માર્ગ અપનાવ્યો (માર્ગ અલગ પણ મંઝિલ તો એક જ ને?)
અને કોઇ ગાંધીજીને માને એટલે ભગતસિંહના વિચારો ખોટા – એ આંખ/કાન બંધ કરી દેવા જેવુ છે.
એટલે સમયને માન આપી જે યોગ્ય હોય તે કરવુ જ રહ્યુ.
આડવાતઃ ઇરાક/અફઘાનિસ્તાનની જેમ આપણા પર જો કોઇ ચઢાઇ કરે તો આપણે કેટલી હદે ગાંધીના વિચારોને અમલમા મૂક્શુ અને શુ એ યોગ્ય હશે?
સોરી મૃગેશભાઇ, તમને તકલીફ આપુ છુ.
બને તો આ ૩ કોમેન્ટ્ને એક કોમેન્ટમા મૂકી દેશો.
by કલ્પેશ on Jan 30, 2010 at 11:24 am
સરસ લેખ્.
આ વાંચવુ સહેલુ છે પણ અમલ કરવુ બહુ અઘરુ છે.
by Veena Dave. USA on Jan 30, 2010 at 9:38 pm
ગાંધીજીની અહિંસા એ ધણાં ‘કાયરો’ની ઢાલ બની ગઈ છે. ગાંધીજીની અહિંસા અને કાયરોની અહિંસામાં જે ફેર છે તે ઘણાં લોકો ને નથી સમજાતો.
કેમ અંગ્રેજો તેમની સામે હિંસા અને અસત્યનો આશરો ન લઈ શક્યા? કદાચ……..અંગ્રેજોની એ ઈમાનદારી પણ ગાંધીજીનાં સત્ય ને અને અહિંસા ને આભારી હતી.
૧. હિટલર દ્રારા યહુદીઓની કત્લેઆમ બાબતે ગાંધીજીનાં વિચારો શું હતાં? કોઈ વાંચક પ્રકાશ ફેકીં શકશે?
૨. અણુબોમ્બનાં પ્રહાર પછી જ જાપાનની હિંસાત્મક આગેકુચ રોકાયેલી. એ હિંસા દ્રારા સ્થપાયેલી વિશ્વ-શાંતિને શું કહીશું?
૩. શું આતંકવાદ ને અહિંસાનાં શસ્ત્રથી નાથી શકાય?
૪. હાથમાં શસ્ત્ર રાખીને તમારા અસ્તિત્વને પડકારવામાં આવે તો તેનો પ્રતિકાર શું હોય શકે?
૫. કેટલાં બલિદાનો પછી બધા જ માનવીઓમાં કરુણાનું ઝરણું વહેતું થાય?
૬. આજની અહિંસા જો શસ્ત્રો ને આભારી હોય તો તે શસ્ત્રો ને શું નામ આપીશું? શાંતિ-દૂત કે શાંતિ-દૈત્ય?
ગાંધીજીના જવાબ ઘણા જ રસપ્રદ હોત તેમાં શંકા ને સ્થાન નથી. કોને ખબર? કદાચ ઊકેલ પણ તેમાં હોત.
by જગત દવે on Jan 31, 2010 at 1:51 pm
આભાર જગતભાઈ
વિચાર કરતા મૂકી દે એવા પ્રશ્નો પુછવા બદલ આભાર
અહિંસા માટેના ગાંધીજી ના વિચારો કરતા કૃષ્ણના વિચારો વધારે સ્પષ્ટ છે
યુદ્ધ પહેલા વિષ્ટિ કરાવવા ગયા અને પછી અંતિમ માર્ગ તરીકે યુદ્ધ માં પણ ગયા
by dhiraj thakkar on Feb 1, 2010 at 11:42 am
મારા મત મુજબ – દુનીયા ભરના ઝગડા, અશાંતી, વાદ-વિવાદ, હિંસા – આતંકવાદ – આ તમામે તમામ ઉપદ્ર્વોનો એકજ કારણ માત્ર કોઇ હોય તો એ ફક્ત – ધર્મ છે…. હુ હિન્દુ, હુ મુસલમાન, હુ શિખ, હુ ઇશાઇ – અને મારો ભગવાન તારા ભગવાન કરતા ઉચો અને મહાન છે…. જ્યાં શુધિ ધર્મ ને માણસાઇ કરતા ઉચું સ્થાન મળશે ત્યાં સુધી આ નો આ જંજાવાત થતો રહેશે….
by Gopal Shah on Feb 1, 2010 at 10:56 pm
સાચેજ દરેક વિચારોને સમય અને પરિસ્થિતિ ને અનુલક્ષીને માન અપાય.
ક્યારેક મૌન એટલે ‘મારે શું’, ‘અવગણના’ અને ‘આંખ આડા કાન’ એવો પણ અર્થ થાય.
અત્યારના ભારતના નકષામા જોઇએ તો પડોશી દેશો ભારતમાતાના માથાનો મુગટ (કાશ્મિર નો ભાગ્ ) , ભારતમાતાના હાથમાથી શસ્ત્રો (આજુબાજુની સરહદ) પણ પચાવી પાડવા માંગતા હોય, દ્ક્ષિણભારતમા ગામડાઓમા ધર્મપરિવર્તને જોર જમાવ્યુ હોય ત્યારે આદર્શોને વળગી આંખ આડા કાન કરવા કેટલા વ્યાજબી છે?
by Jagruti Vaghela on Feb 2, 2010 at 2:59 am
ગોપાલભાઈ,
૧૧૦% સાચ્ચી વાત કહી તમે.
by trupti on Feb 2, 2010 at 12:29 pm
શ્રી ગોપાલભાઈ,
‘હિંસા’ નું ‘જીન્સ’ દરેક પ્રાણીની જેમ માનવજાતનાં DNA માં પણ પ્રાગ ઐતિહાસિક સમયથી રહેલું છે……જ્યારે ધર્મનો આવિષ્કાર પણ નહોતો થયો. કદાચ કુદરતની પ્રાણી-જગત ને અને પર્યાવરણને સમતુલામાં રાખવાની આ જ ‘તરકીબ’ છે.
એ વાત ખરી કે…….’હિંસા’ ના ‘જીન્સ’ ને ધર્મનું બહાનુ મળ્યું અને તે કારણે વધું વકર્યું છે. કુદરત દ્રારા માત્ર માનવજાતને ભેંટ મળેલી ‘ચેતના’ નો માનવજાતે વેડફાટ વધારે કર્યો છે. તેણે હવે કુદરત સામે જ જંગ માંડ્યો છે…..જોઈએ કોણ જીતે છે.
‘અવતાર’ ફિલ્મમાં આ બધી વાતો આડકતરી રીતે બહું સરસ સ્વરૂપે વણી લેવાઈ છે. એ જોયા પછી આવા ઘણાં વિચારો આપણને વિચારતા કરી મુકે છે.
by જગત દવે on Feb 2, 2010 at 1:37 pm
1.) Indian army was one of the largest force to fight the WWII. Gandhiji supported that.
2.) Once and for all there are difficult decisions to be made. Many times more people are saved by dropping bombs then other way around.
3.) No. Big no.
4.) Fight till you die
5.) I wish that time comes soon.
6.) Weapons are needed to keep the peace. But we have to learn to use them as well.
Good questions Jagatbhai.
by Ashish Dave, Sunnyvale, Califronia on Feb 9, 2010 at 4:29 am
ગાન્ધીજી ના વિચારો નો અમલ કરવો એટલોજ અઘરો છે જેટલો ગીતા ના સાર ને પચાવવો અઘરો છે. માટેજ્ બાપુ મહાન હતા.તેમના જેવુ કોઇ થયુ નથી અને જો એમના વીચારો નો અમલ કરવાથીજ લોકો દૂર ભાગતા હોય તો એમના જેવુ કોઇ થશે…….???
by Sunita Thakar (UK) on Feb 9, 2010 at 5:27 am
ખુબ જ સરસ લેખ . .મે કયાક વાચ્યુ હ્તુ .. તે જ્ણાવુ……..
આકાશમાથી ગાધીજીએ મોક્લ્યો છે આ સવાલ્,
ગાન્ધીજી ના વિચારો નો અમલ કરવો એટલોજ અઘરો છે જેટલો ગીતા ના સાર ને પચાવવો અઘરો છે. માટેજ્ બાપુ મહાન હતા.તેમના જેવુ કોઇ થયુ નથી અને જો એમના વીચારો નો અમલ કરવાથીજ લોકો દૂર ભાગતા હોય તો એમના જેવુ કોઇ થશે…….???
ચૌધરી દિનેશ ભાઇ કુમ્ભા ભાઇ
by Dinesh Patel on Apr 30, 2010 at 12:34 pm