ReadGujarati.com



« | »

આકાશગંગા – સંકલિત

[1] સમજદાર – અરુણભાઈ ભટ્ટ

એકવાર હું ટ્રેનમાં જઈ રહ્યો હતો. મારી સીટની સામે બારી પાસે એક માતા તેના નાનકડા બાળકને લઈને બેઠી હતી. બાળક કદાચ બે-એક વર્ષનું હશે. તે બેઠાં બેઠાં બિસ્કીટનું પેકેટ હાથમાં પકડીને બિસ્કીટ ખાતું હતું. ક્યારેક આમ-તેમ નજર ફેરવીને પાછું પોતાની ધૂનમાં મગ્ન થઈ જતું. ખૂબ વ્હાલું લાગે એવા તેના હાવભાવ હતા. બિસ્કીટનો ટૂકડો મોઢામાં મૂકતાં અચાનક એણે મારી સામે જોયું. મેં તેની સાથે આંખ મેળવીને સ્મિત કર્યું. થોડીક વાર અમારા બંનેનો મુક સંવાદ ચાલ્યો. એ બસ મારી સામે જોયા કરે અને હું એની સામે જોઈને હસું. થોડી વારમાં તો અમારા બંનેની મૈત્રી થઈ ગઈ ! એણે પણ મારી સામે જોઈને સ્મિત કર્યું. અમારી દોસ્તી મજબૂત થઈ એટલે મેં જરાક મારી તરફ આવવા એને વ્હાલથી ઈશારો કર્યો. એ તો ફટાફટ સીટ પરથી ઊતરીને એક જ ફલાંગમાં મારી પાસે ખોળામાં આવી ગયું. એની માતાને આ જોઈને કંઈક સંકોચ થયો. એણે મારી માફી માગતાં કહ્યું : ‘સોરી હોં, એ સમજતો નથીને એટલે કોઈની પણ પાસે જતો રહે છે….’

હું જરાક હસીને મનમાં બોલ્યો કે, ‘સમજતો નથી એટલે જતો રહે છે કે સમજ છે એટલે જાય છે ? હકીકતે સમજ કોને નથી ?’ માણસ સમજતો થાય એમ તો સંકોચાતો જાય છે. સમજદાર ને તો આખું વિશ્વ જ પોતાનું કુટુંબ !

[2] ખાવામાંથી ખાવાની વૃત્તિ – અનિલ શાહ

લગ્નની મોસમ આવે એટલે ઘણીવાર તો અમારે એવું થાય કે સળંગ ત્રણ-ચાર દિવસ સુધી રસોડાને તાળું મારવું પડે. એક પછી એક જમણવાર ચાલ્યા કરે. કોઈને ના પડાય નહીં એટલે દરેક લગ્નમાં હાજરી આપવી ફરજિયાત ! કોઈકવાર તો એક સરખી વાનગીઓ ખાવાનો વારો આવે. હમણાં થોડાક દિવસ પહેલાં રવિવારનો દિવસ હતો એટલે મેં મારી પત્નીને કહ્યું કે જરા બાસુંદી બનાવ. રજાનો દિવસ હતો એટલે સારી રીતે બાસુંદીની વાટકીઓ ઝાપટી ! ત્રણ-ચાર વાટકી તો આરામથી સમાઈ જાય. હવે થયું એવું કે બીજે દિવસે સોમવારે જ્યાં લગ્ન હતાં ત્યાં પણ રસોઈમાં બાસુંદી નીકળી ! પણ મારા આશ્ચર્ય વચ્ચે હું ત્યાં એક વાટકી બાસુંદી માંડ ખાઈ શક્યો. મને ખૂબ નવાઈ લાગી. મનમાં વિચાર આવ્યો કે નક્કી આની પાછળ કોઈક રહસ્ય છે. મેં મારા કેટરીંગનું કામકાજ કરતાં મિત્રને આ પ્રશ્ન પૂછ્યો કે આવું કેમ ? ઘરની બાસુંદી આરામથી ત્રણ વાટકી ખાઈ શકાય અને લગ્નપ્રસંગોમાં એક વાટકી બસ થઈ જાય !

એ મિત્રએ જે જવાબ આપ્યો એ ચોંકાવી દે તેવો હતો. તેણે મને એમ જણાવ્યું કે ક્યાંક કોઈ કેટરીંગ સર્વિસ પૂરી પાડતી સંસ્થાઓ ‘હાઈડ્રો’ (અથવા એવું જ કોઈક નામ, શબ્દ મને બરાબર યાદ નથી) નામનું કોઈક કેમિકલ બાસુંદીમાં ઉમેરતા હોય છે. જેથી એ ખાવામાં ભારે થઈ જાય છે અને 800 જણની રસોઈ બનાવીને 1200 જણના ઑર્ડરના પૈસા મેળવી શકાય છે ! જો કે બધી જગ્યાએ એવું નહીં થતું હોય. પણ તેમ છતાં ખાવામાંય માણસ ‘ખાવાની’ વૃત્તિ રાખે ત્યારે નીતિમત્તા ક્યાં જઈને અટકશે ?

[3] પ્રકૃતિને માણવાનું સાવ જ ભુલાઈ ગયું ? – પ્રજ્ઞા પટેલ

[‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર. આપ તેમનો આ નંબર પર +91 9825438394 સંપર્ક કરી શકો છો.]

આજના માનવીનું જીવન ખૂબ ભર્યું ભર્યું છે. વિજ્ઞાન-ટેકનોલોજીના કારણે અનેક પ્રકારની ભૌતિક સુવિધાઓના સુખ, અનેકાનેક મનોરંજનના અને સમયા પસાર કરવાના સાધનો – ખૂબ કમાઓ અને ખૂબ વાપરો, બીમાર પડાય – કોઈ રોગ લાગુ પડે તો ચિંતા ખરી, પણ સાવ નાસીપાસ નથી થવાતું. કેમ કે, સરેરાશ સુખી-સંપન્ન માનવી પાસે સારી મેડિકલ ઈન્સ્યોરન્સ સ્કીમ હોય છે. સારી હૉસ્પિટલો સેવામાં તત્પર હોય છે. સરેરાશ લોકો સતત ભાગદોડ સાથે જીવવાના નામે ભાગે આવતા દિવસો પસાર કરતા હોય છે, સતત તાણ-દબાણ-ચિંતામાં હોય છે. તાણ-ચિંતાઓની યાદી કરવા જઈએ તો ઘણી જ લાંબી થાય. સુખ અને આનંદ એકબીજાના જાણે પર્યાય બની ગયા છે. નિવાર્ય અને અનિવાર્ય વ્યસ્તતાને મોટાઈ-સફળતા-કંઈક વિશેષ હોવાની નિશાની માનવામાં આવે છે. સમય જ નથી, ક્યાં છે નિરાંત-હળવાશ ?

અરે ભલા માણસ, તારું જીવન આટલું મશીનિયું-યાંત્રિક અને સાવ કૃત્રિમ-ખોખલું કેમ ? તું હસે છે, તે ય જાણે ઉછીનું લાગે છે. તારી સહજ સભરતા ક્યાં ખોઈ નાંખી તે ? તારા મસ્ત મજાના બાળપણના દિવસોના ખજાનાને તું સાવ જ વીસરી ગયો ? વહેલી સવારે ઊગતા સૂરજને, ખીલું ખીલું થતાં ફૂલને, એક ડાળેથી બીજા ફૂલ પર ઊડાઊડ કરતા પતંગિયાને, ઘર આગળ ઉછરતાં ગલુડિયાંને, સાંજે આથમતા સૂરજને જોવાની કેવી મજા પડતી ? આંખોમાં વિસ્મય ઝગમગ થતું હોય અને હૈયું હરદમ હરખઘેલું હોય. ભર્યા ભર્યા જીવનમાં આપણને સહુને કંઈક અજાણ્યો ખાલીપો અનુભવાય છે. જોઈતું હતું તે, ઈચ્છેલું-માગેલું બધું મળી જવા છતાં જે નથી તે શું ? કેમ છેક ઊંડેથી નરી પ્રસન્નતા નથી અનુભવાતી ? આનંદની પળો સાવ જ ભૂલી ગયા છીએ અને તેનું જ આ પરિણામ છે ?

પ્રકૃતિ, પર્યાવરણ સાથે સહજતા ખોઈ બેઠા છીએ. નાની-નાની વાતોના આનંદ ચૂકી ગયા છીએ. હવે તો ઋતુઓ માત્ર કેલેન્ડરમાં કેદ થયેલી જોવા મળે. પર્વો-તહેવારોના સાચા હાર્દ-ઉજવણીની સામે માત્ર વિશિષ્ટ વાનગીઓની જ્યાફતમાં આપણે ગુલાલ માનીએ છીએ. પ્રકૃતિ સાથે મૈત્રી કેળવીએ તો આંતરસમૃદ્ધિનો વૈભવ માણી શકાય. ગ્લોબલ વોર્મિંગની આખા વિશ્વને ચિંતા, શા કારણે ? હજુય, જાગ્યા ત્યાંથી સવાર માની જીવનના અભિન્ન અંગ તરીકે પ્રકૃતિ તરફ પાછા ફરીએ. પ્રકૃતિના સંગે જીવનનો ઓચ્છવ મનાવીએ. પ્રકૃતિ માણવા માટે મન જોઈએ, સમય કે અનુકૂળતા ક્યાં જોઈએ છે ? દૈનિક દિનચર્યામાં પ્રકૃતિ તરફ જોવાનું ન ભૂલીએ. જ્યાં જ્યારે તક મળે, નિહાળીએ, માણીએ અને મહાસુખ પામીએ.

તમે શું માનો છો ? અનુભવો છો ?

[4] શ….શ….ચૂપ….ચૂપ….. – શોભના શાહ

દીપુ : ‘દાદા, આજે સ્કૂલે નથી જવું. માથું દુ:ખે છે.’
દાદા : ‘ઓહ, તો સરસ મસાલાવાળો ઉકાળો પી લેવાનો. બા બનાવી દેશે.’
બા : ‘જો દીપુ બેટા, થોડી કૉફી પણ લઈ લે, બધાં દર્દનું મૂળ બગડેલું પેટ હોય.’
મમ્મી : ‘હા, હા, સુદર્શનચૂર્ણ ઉકાળીને આપી દઈએ.’
પપ્પા : ‘અરે એવાં બધાં ચૂરણ કરતાં બાજુમાં જ ડૉક્ટર છે, દવાનો એક ડોઝ લઈ આવ ને.’
દીપુ : ‘બાપ રે ! મારે ઉકાળો નથી પીવો. મારે સુદર્શન નથી લેવું. મારે ડૉક્ટર પાસે નથી જવું.’
દાદા : ‘વધારે તબિયત બગડે એના કરતાં પહેલેથી જ સંભાળી લેવું સારું.’
બા : ‘હા, હા, જુઓ જરા સુદર્શનનો ડબ્બો બજારમાંથી લઈ આવો ને.’
મમ્મી : ‘અરે ઘરમાં જ છે. એમનેમ પૅક પડેલો છે.’
પપ્પા : (મોટેથી) ‘મેં શું કહ્યું, ડૉક્ટર પાસે લઈ જાવ.’
દીપુ : ‘ના….ના… મને માથું નથી દુ:ખતું, કાંઈ નથી થતું. બધું મટી ગયું….’
ડૉલી : (બહારથી પ્રવેશે છે) (દીપુના કાનમાં ખૂબ ધીમેથી) ‘દીપુ દીપુ, આજે તું માંદા પડવાની ઍકટિંગ કરવાનો હતો અને રજા પાડવાનો હતો તેનું શું થયું ?’
દીપુ : (ખૂબ ધીમેથી મોઢા પર આંગળી મૂકી) ‘શ….શ…..ચૂપ…..ચૂપ….’
(‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.)

[5] ‘સૉરી’-હું દિલગીર છું – આશા વીરેન્દ્ર

‘સૉરી’ માત્ર બે અક્ષરનો ટચૂકડો શબ્દ, પણ ભારે જબરો હં ! શું એની તાકાત ! રડતાંને હસાવે ને રિસાઈ ગયેલાને મનાવે. વળી, ગુજરાતી ભાષાના પ્રખર હિમાયતી હોય તેનેય એને આશરે ગયા વિના ન ચાલે. વાતે વાતે ‘હું દિલગીર છું’ કે ‘મારી ભૂલ થઈ’, ‘મને માફ કરો’ આવું લાંબુંલચક કોઈ કહેતું નથી. એક ‘સૉરી’ કહી દીધું એટલે કહેનાર પણ રાજી અને સાંભળનારનાય મનનું સમાધાન થઈ જાય. ગમે તેવો ગુનો કરી નાખ્યો હોય, પણ સૉરી કહો એટલે તમારી સજા અડધી તો થઈ જ જાય. કલાપીએ જે ભાવ ‘હા, પસ્તાવો વિપુલ ઝરણું….’માં રજૂ કર્યો છે એટલા ઊંડાણથી ભલે ‘સૉરી’ શબ્દમાં ન અનુભવાય, છતાં એની લોકપ્રિયતા માટે તો બેમત નહીં. પર્યુષણ આવે ત્યારે જૈનો ‘મિચ્છામિ દુક્કડમ’ – ‘મિથ્થા મે દુષ્કૃત્યં’ની ક્ષમાપનાની ભાવનાની આપ-લે કરે, પણ તે સિવાયના સમયગાળામાં સામાન્ય રીતે અને સાર્વત્રિકપણે આ શબ્દ પ્રચલિત નથી, જ્યારે સૉરી તો બારમાસી શબ્દ. એનું એકચક્રી શાસન તો ભઈ સ્વીકારવું જ પડે.

ઘણી વખત વિચારું છું કે ભલે ‘સૉરી’ શબ્દ સહેલોસટ હોય, પણ જે કોઈને આપણાંવાણી, વર્તન કે વ્યવહારથી દુભવ્યા હોય એમને સૉરી કહેવું શું દરેક માટે એટલું સહેલું છે ? મારી દોહિત્રી વિપાશા છે. હજી તો માંડ સાડાચાર વર્ષની, પણ એની કંઈ ભૂલ થઈ હોય, એણે કંઈ તોફાન કર્યું હોય અને એને કહીએ કે ‘ચાલ, સૉરી કહે જોઈએ !’ તો એ એવો દેખાવ કરે, જાણે કશું સાંભળતી જ નથી. એને સૉરી નથી જ કહેવું એવી મક્કમતા એ તોબરો ચઢાવીને આપણને બતાવે. પછી જ્યારે એની મમ્મી ગુસ્સો કરે, ફરજ પાડે ત્યારે માંડ માંડ સૉરી કહે અને તે પણ મહાપરાણે. એ જ્યારે જ્યારે આવું કરે ત્યારે મને વિચાર આવે કે આટલા નાના બાળકને પણ શું એવું લાગતું હશે કે સૉરી કહેવાથી નીચા પડી જવાય ? આટલી નાની વયથી જ ‘ઈગો પ્રોબ્લેમ’નાં બીજ રોપાઈ જતાં હશે ?

કેટલાક લોકો સરળાથી ભૂલ કબૂલી લેતા હોય છે, કાં તો એમની પ્રકૃતિ એવી હોય છે કે ચાલો ને ભઈ, વાત પતાવો ને ! નકામું કોઈની સાથે ઘર્ષણમાં શા માટે ઊતરવું ને મનદુ:ખ શા માટે વધારવું ? જ્યારે એનાથી તદ્દન સામા છેડાની વ્યક્તિઓનું વલણ ‘મિયાં પડે પણ તંગડી ઊંચી’ જેવું હોય. એમની ભૂલ ભલે ગમે તેટલી દેખીતી હોય, પણ કબૂલ વળી શાનું કરવાનું ? અમે તો બધી વાતમાં સાચા. અમે કદી ખોટા હોઈએ જ નહીં. સૉરી કે થેન્ક્યુ જેવા શબ્દો અમુક લોકોના શબ્દકોશમાં હોતા જ નથી, પણ આવું અક્કડ વલણ એમને પોતાના સ્નેહીજનોથી, પરિવારજનોથી, સમાજથી દૂર કરી નાખે છે એવું નથી લાગતું ? ‘મારી તો ભૂલ થાય જ નહીં’ એવો અહમ ભાવ પોષવા કરતાં જેમ બધાની ભૂલ થાય એમ મારી પણ ભૂલ હોય એ કબૂલી લેવામાં નાનમ શું ? – એવું વલણ રાખવામાં આવે તો અન્યની નજરમાં નીચા પડવાને બદલે આપણું મૂલ્ય અને આપણા માટેનો આદરભાવ, સ્નેહભાવ વધે છે, પણ કોઈની સ્વભાવગત મર્યાદા હોય કે પોતાની ભૂલ ન જ સ્વીકારવી, તો આપણે જ એમને કહેવું પડે કે તમને તમારી ભૂલ ન જ દેખાતી હોય તો ‘આઈ એમ સૉરી ફૉર યુ.’

બાકી, ભગવાન મહાવીરે કહ્યું છે, ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ’ ખરી વીરતા ક્ષમા માગવામાં અને આપવામાં છે, આપણા અહમને પંપાળવામાં નહીં. મારાથી જરા વધારે પડતો ઉપદેશ અપાઈ ગયો, નહીં ? – સૉરી. (‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.)

Posted by mrugesh78 on February 12, 2010.

Tags:

Categories: સાહિત્ય લેખ

12 Responses

  1. સુંદર સંકલન.

    સમજ્ણું માણસ ખાવામાં ખાવાની વૃત્તિ ન રાખે અને સાવ ચૂપ થઇ પ્રકૃતિના સંગે જીવે અને કદાચ એ કારણે જ એને ક્યારેય પોતાની જાતને સુખ સાધન ન માણવા માટે ‘સોરી’ ન કહેવું પડે.

    by Hiral Vyas "Vasantiful" on Feb 12, 2010 at 9:23 am

  2. પ્રકૃતિનાં સાંનિધ્યની મજા આમતો બારમાસી છે પણ જે મજા આ વસંતઋતુમાં આવે છે તેનીતો વાતજ કંઈક અલગ છે. પ્રકૃતિ સામે ચાલીને મનુષ્યને બોલાવતી હોય એવુ લાગ્યા વગર રહેતુ નથી.

    by Chintan on Feb 12, 2010 at 12:12 pm

  3. સરસ સંકલન્

    by Anand Anjaria on Feb 12, 2010 at 3:03 pm

  4. સુંદર સંકલન.

    નાના બાળકોને રમાડતી વખતે આવો જ વિચાર આવે છે, ખબર નથી પડતી આપણે એને રમાડીએ છીએ કે એ આપણને રમાડે છે !!!

    બાસુંદી વાળી વાત આંચકાજનક લાગી. વચ્ચે એકી ઇમેઈલમાં ફોટા હતા કે ચીનમાં ઈંડા પણ કેમિકલમાંથી બનાવવામા આવે છે, રાસાયણિક દુધ કે ચરબીવાળા ઘીની વાત તો જૂની થઈ.

    ઘણીવાર મન પર બોજ રાખવા કરતા ક્ષમા માંગી લેવાનુ કામ વધુ સહેલુ હોય છે. સામેવાળા સાથે હિસાબ ચૂકતે કરવાની ગણતરી કર્યા કરવાને બદલે તેને ક્ષમા આપવાનુ તો એથીય વધુ સહેલુ.

    આભાર,
    નયન

    by nayan panchal on Feb 12, 2010 at 4:08 pm

  5. VERY LIGHT AND TOUCHING TO HEART SUBJECTS AND ARTICLES —————————
    SOME WRITE THINKING THAT THERE READERS ARE IDIOT AND ONLY I AM WISE AND WRITE SUCH AN ABSTRACT THAT IT MAY NOT ULIMATELY CARRY ANY SENSE !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

    WHILE THESE DAYTO DAY SUBJECTS ARE SO WISELY SELECTED AND GIVEN THAT EVEN THE BEST DISHES OF HOTEL CAN NOT MATCH

    I WISH THAT THESE TYPE OF ARTICLES APPEAR MORE AND MORE WHICH WERE AVAILABLE FROM OUR SENIOR PEOPLE AT THAT TIME ——BUT NOW WE HAVE NEGLECTED BOTH SUCH PEOPLE & TALKS

    by YOGESH PANDYA on Feb 12, 2010 at 4:35 pm

  6. સરસ સંકલન્

    by Rajni Chheda on Feb 12, 2010 at 5:52 pm

  7. મનનીય કણિકાઓ.

    સમગ્ર વિશ્વ મારૂ કુટુંબ છે જેવી ભાવના બાળકો આબાદ વ્યક્ત કરતાં હોય છે જેનું કારણ
    બાળકો ધૃણા જેવા પ્રદૂષણથી મુક્ત હોય છે.

    બાસુદીમાં હાઈડ્રો વાંચી શરીરમાંથી ભયનું લહેરીયું પસાર થઈ ગયું. હાઈડ્રો જેવા રસાયણ કેંસરને
    નિમંત્રણ આપવા પૂરતા છે….કેટરરોને ઈશ્વર સદબુધ્ધિ આપે.

    પ્રકૃતિના ખોળે જવા સિવાય કોઈ રસ્તો નથી. સમગ્ર વિશ્વમાં ગ્રીન કેમ્પીયન જોર પકડતું જાય છે.
    એપલ દ્વારા તાંજેતરમાં રજૂ કરાયેલું ઈ-પેડ વિશ્વની પ્રિંટ ઈંડસ્ટ્રીના આયામો બદલશે.
    ઈ-પેડથી આપ મેગેઝિન…અખબાર કલરમાં વાંચી શકશો. વૃક્ષ નિર્મૂલન જેવી ઘાતક પ્રવૃતિમાંથી
    માનવીની નિવૃતિ ઢૂંકડી છે.

    ક્ષમા એટલે આપણા સમય…શક્તિનો સંચય…!!

    આભાર.

    by જય પટેલ on Feb 12, 2010 at 6:02 pm

  8. બાસુદી વાળી વાત પર થી યાદ અવયુ કે ધની વાર ડાયનિગ હોલ વાલા લીબુ ના ફુલ ની છાશ જે સસ્તી પડે. રોટલી ના
    લોટ મા મેદો નાખે જે થી રોટલ ઑછી ખવાય.

    બઘા લેખ સરસ

    by Vijay Narayandasani on Feb 12, 2010 at 6:43 pm

  9. સરસ સંકલન.

    by Veena Dave. USA on Feb 12, 2010 at 9:40 pm

  10. Very nice collection of articles.
    Enjoyed reading and understanding all.

    The best lines:

    (1) માણસ સમજતો થાય એમ તો સંકોચાતો જાય છે. સમજદાર ને તો આખું વિશ્વ જ પોતાનું કુટુંબ !

    (2) ખાવામાંય માણસ ‘ખાવાની’ વૃત્તિ રાખે ત્યારે નીતિમત્તા ક્યાં જઈને અટકશે ?

    (3) પ્રકૃતિ સાથે મૈત્રી કેળવીએ તો આંતરસમૃદ્ધિનો વૈભવ માણી શકાય.દૈનિક દિનચર્યામાં પ્રકૃતિ તરફ જોવાનું ન ભૂલીએ. જ્યાં જ્યારે તક મળે, નિહાળીએ, માણીએ અને મહાસુખ પામીએ.

    (4) ‘દીપુ દીપુ, આજે તું માંદા પડવાની ઍકટિંગ કરવાનો હતો અને રજા પાડવાનો હતો તેનું શું થયું ?’
    દીપુ : (ખૂબ ધીમેથી મોઢા પર આંગળી મૂકી) ‘શ….શ…..ચૂપ…..ચૂપ….’

    (5) ભગવાન મહાવીરે કહ્યું છે, ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ’ ખરી વીરતા ક્ષમા માગવામાં અને આપવામાં છે, આપણા અહમને પંપાળવામાં નહીં.

    Thank you all the authors.

    by Vaishali Maheshwari on Feb 12, 2010 at 9:45 pm

  11. મને પ્રથમ આવ્રુતિ બહુ ગમી…. મારી જ્યારે સ્વ. મ. રફી સાથે પહેલી મુલાકાત થઈ હતિ એ વાત યાદ આવિ ગઈ. એમનુ પણ કાંઇ આવુજ માનવું હતુ…. એમણે મને કહય હતુ કે ગોપાલભાઈ, સારિ દુનિયા ખુદાકિ કાયનાત હૈ…. ઓર હમસબ ઉસકે બચ્ચે હૈ…. ઉસને તો સિર્ફ ઇન્સાનો કો બનાયા – હમ ને આપને ફાયદેકે લિયે મઝહબ બનાયા… મેં હમેશા ઉસકિ બનાઇ ગઇ કાયનાતકો ઉસકે નઝરિયેસે દેખને કિ કોશિશ કરતાહું….

    by Gopal Shah on Feb 12, 2010 at 10:08 pm

  12. Woow you met M. Rafi… Lucky man…

    by Ashish Dave, Sunnyvale, Califronia on Feb 22, 2010 at 3:09 am

Leave a Reply

 

« | »



નવા લેખો