સુવાચ્ય અક્ષરો – ડૉ. નલિની ગણાત્રા
[‘હસવું મરજિયાત છે’ માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે નલિનીબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9428351120. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
આ શીર્ષક તમે જો મારી હસ્તપ્રતમાં વાંચ્યું હોત તો આંખ અને પ્રતને ઊંચી-નીચી-આડી-અવળી-ઊભી-ત્રાંસી-દૂર-નજીક કરીને અવશ્ય પૂછત કે શીર્ષક શું લખ્યું છે ? અને હું મારો પિત્તો ગુમાવીને બરાડત કે, મારા અક્ષર તમે નથી ઉકેલી શકતા તો ભલા માણસ, હું કેવી રીતે ઉકેલી શકું ? સાક્ષરોનો વિવેક જાળવતાં શીખો જરા ! અને…. મારું જ લખેલું હું વાંચતી હોઈશ કદી !
મારા અક્ષરો આમ તો ઉત્તમ છે. ઊકલે નહીં એટલું જ. મને સાંભળવામાં લોકોને તકલીફ નથી. મને વાંચવામાં છે. એ જ સાબિત કરે છે કે લોકોના કાન કરતાં આંખો વધુ નબળી હોય છે. રાઝ કી બાત બતાઉં તો હું રફ વિસ્તારના રફ માણસો કરતાં ય રફ અક્ષરો એટલે કાઢું છું કે આપણો લેખ વંચાણે આપ્યા પછી પૂછવા આવે કે, ‘આ શું લખ્યું છે ?’ અને ત્યારે લેખ કેવો લાગ્યો, એ રૂબરૂ જ પૂછી લેવાય. અને તદ્દન સાચી અફવા જેવી વાત એ છે કે મ્યુનિસિપાલિટીની સ્કૂલમાંય હું ભણી છું અને એ.સી. સ્કૂલમાંય ભણી છું. બધી જ પરીક્ષામાં હું નાપાસ થયા વગર પાસ થઈ છું. અક્ષર ઊકલે તો કોઈ ભૂલ કાઢે ને !! ઈવન આજ દિન સુધી મારો એક પણ શિક્ષક મને ભૂલી શક્યો નથી, કારણ કે હું ક્ષર, પણ મારા અક્ષર તો અ-ક્ષર જ ને ! એકવાર આંખોમાં ઊગીને વસી ગયા પછી ક્રેનથી પણ ખસેડી ન શકાય.
અક્ષરદેહે
ભમતી રહીશ હું
સૌની આંખોમાં
આમ જોઈએ તો અક્ષરોની સુંદરતા-અસુંદરતા સાપેક્ષ છે. ચેરીટી ચેકમાં આપણી રેઢિયાળ જેવી સહી પણ ચેક લેનારને રીઢા સજ્જન જેવી લાગે. અને કોમ્પ્યુટરમાં પ્રિન્ટ કાઢીને મોકલાવેલો લેણિયાતનો પત્ર વાંચીને ઉદ્વેગ થાય ! મારા અક્ષરો અભ્યાસથી અનુકૂળ છે. મને સતત વાંચવી પડે. મરોડદાર ચશ્મા પહેરવાથી સમસ્યાનો ઉકેલ ન આવે. ધારીને જુઓ તો મારા અક્ષર વિશ્વના પ્રથમ ‘હસતાક્ષર’ લાગે. લેખમાં કદાચ હસવું ન આવે પણ હસતા અક્ષર તમને ધક્કો ન ખવડાવે. મારે તો મારા અક્ષરની પેટન્ટ કરાવી લેવી છે. પ્રભાવી તો ખરા જ ને વળી ! એક આખ્ખો લેખ લખી શકી હું. ‘સુવાચ્ય અક્ષર’ પર લેખ મારા સિવાય કોઈ લખી શક્યું, કોઈ….. વિચારો, કેમ ? પ્રત્યેક અક્ષરની ખરાબી જેનામાં હોય એનું આમાં ગજું. સાકરની કીડી લીમડાનો સ્વાદ શું જાણે ! મારા અક્ષરને મેડિકલ સ્ટોરવાળા ઉકેલી શકતા નથી. મિમિક્રી આર્ટિસ્ટ નકલ કરી શકતો નથી. (યુ નો ? વૉઈસ ઑફ રફી ઈઝી પણ, વૉઈસ ઑફ મૂળચંદ ટફ !) કે નથી એને મીઠી નજર લાગી શકતી. નજર ન લાગે એ માટે તો પાછી હું ઠેર ઠેર છેકાછેક પણ કરી લઉં છું. (બનાકે બિગાડના હમારા ભી પેશા હૈ, સિર્ફ ભગવાન કા નહીં !!) અને….
‘અક્ષર સારા હોય જેના એ બધા સારા નથી હોતા.
જે સારા હોય છે એના અક્ષર સારા નથી હોતા.’
ભૈયા, શ્રમ તો મનેય પડે છે. સુલેખનના કોચિંગ ચાલે છે, આ તો જાતમેળે ખીલાવ્યા છે. નો ગાઈડન્સ એટ ઓલ ! છતાં વિશ્વાસ અને આશ્વાસન એ છે કે નિરક્ષરોને ય અક્ષરધામમાં સ્થાન મળે છે તો મને નહીં મળે ? અદ્દલ મારા જેવા રફ એન્ડ ટફ અક્ષરો કાઢી દયો તો ભારતભરની ઝૂંપડપટ્ટી તમારી બોસ, જાવ ! (ખરાબ અક્ષરની એક્ષચેન્જ ઑફર છે. એમાં ઝૂંપડપટ્ટી જ મળે, ઝેન નહીં !) પેન પાર્કર વાપરો કે એડ-જેલ વાપરો, મારા અક્ષર કાંઈ ટાલિયાની હેરસ્ટાઈલ નથી કે કોઈને બી ફાવે.
મોડા જન્મવાથી મને જે નુકશાન થયું છે એ તો ફડચામાં ગયેલી બેંક પણ ભરપાઈ કરી શકે તેમ નથી. મારે બદલે ગાંધીજી અક્ષરખ્યાતિ લઈ ગયા ને ? ગાંધીજીને પંદરમી ઑગસ્ટ કે 26મી જાન્યુઆરીના દિવસ કરતાં ‘લેખનસ્પર્ધા’ સમયે વધુ યાદ કરાય છે. હું તો એ વિચારે હેબતાઈ જાઉં છું કે ગાંધીજીના માત્ર અક્ષરો ખરાબ હતા તો ય ‘મહાત્મા’ કહેવાયા. મારું તો અક્ષર સિવાય અન્ય કેટલુંય ખરાબ છે. મારા માટે લોકો ઉચિત બિરુદ લાવશે ક્યાંથી ? આ બેઈમાન યુગમાં મને મારા અક્ષરોનું ભવિષ્ય ઊજળું દેખાઈ રહ્યું છે. વો સુબહ કભી તો આયેગી….. કે એક દિવસ ‘અસુવાચ્ય લેખનસ્પર્ધા’ યોજાશે. જેમાં હું કદાચ બિનહરીફ વિજેતા બની શકું. ગીતામાં સ્પષ્ટ કીધું છે કે ‘કરેલું ફોગટ નથી જતું.’ તો ભલા માણસ, લખેલું તો ક્યાંથી (ફોગટ) જાય ? વળી હું પ્રયત્નથી ગમ્મે તેટલા સારા અક્ષર કાઢું તો ય મને કોઈ ‘અક્ષરસ્ત્ર્યોત્તમ’ નથી કહેવાનું. છતાં મારી ઈચ્છા અક્ષર સુધારવાની છે જ. મેં બાધા ય રાખી છે કે અક્ષર સુધરશે નહીં ત્યાં સુધી સારા અક્ષર નહીં કાઢું. ફળ તો ઉપરવાળા ઈશ્વરભઈના હાથમાં છે. તેથી જ કહું છું :
‘જે વાંચવું હોય એ વાંચી લો મારી આંખોમાં,
અક્ષર જેવી આંટીઘૂંટી નથી મારી આંખોમાં.’
મારા આ વૈભવી અક્ષરો માટે મને એક રચનાત્મક વિચાર આવે છે કે ‘ફેરનું રફ કરી આપવામાં આવશે’ એવું બોર્ડ મારીને, એક નાનું ટેબલ, પાથરણું, કાગળ અને પેન લઈને ભદ્ર સિવિલ કોર્ટ પાસે બેસી જઉં તો એક આગવું આકર્ષણ અને આવક ઊભી થાય.’ કોઈ એક સાસુના માથે હાથ મૂકીને સાવ નિખાલસ ભાવે કહું તો મારા અક્ષર સારા નથી એટલે જ સારા નથી આવતા એવું ભાગ્યે જ બન્યું છે. ઑફિસે મોડા પડવાના અને મારા ફોટા સારા ન આવવાનાં જેમ અનેક કારણો છે તેમ મારા અક્ષરો સારા ન આવવાનાંય અનેક કારણો છે. કારણો વાંચશો તો તમેય દ્રવી જશો કે…..
મજબૂરીને જિસકો મારા
ઉસકા કૌન સહારા ?
કારણો….
- ક્યારેક કાગળ સારો ન હોય.
- ક્યારેક પેન, ક્યારેક શ્યાહી સારી ન હોય.
- ક્યારેક લખવાની ઈચ્છા કે મૂડ ન હોય.
- ક્યારેક તો અક્ષર સારા કાઢવાના પ્રયત્નમાં જ અક્ષર સારા ન આવે.
- ક્યારેક કાગળ સરકારી હોય ! એમાં હું અસર-કારી અક્ષરો કેવી રીતે કાઢી શકું ?
- જેમ કેટલાંક માણસો દેખાવમાં સારા હોય પણ ફોટા સારા ન આવે તેમ મારા અક્ષર કાગળ પર સારા ન આવે. બાકી હવામાં લખું તો વિશ્વ વાંચતું રહી જાય !
- ક્યારેક શિયાળો હોય, ક્યારેક ઉનાળો તો ક્યારેક ચોમાસું હોય (ઋતુની અસર તો આખ્ખેઆખ્ખી તબિયત પર પડે છે તો અક્ષરની શી વિસાત ?) ક્યારેક તો એવું થાય કે શિયાળો હોય અને ઠંડી ન હોય એટલે ધ્રૂજવું કે ન ધ્રૂજવું એ દ્વિધામાં અક્ષર બેચરાઈ જાય. આમ આકસ્મિક સંજોગવશાત કે બિનઆકસ્મિક સંજોગવશાત ઉપરોક્ત કોઈ કારણ ઉપસ્થિત ન રહી શક્યું હોય તો જ મારા અક્ષર સારા ન હોવાને કારણે સારા ન આવે અને એ ક્ષમ્ય છે.
કેમ ? જીવનમાં માણસો બધા અનુકૂળ, મજાના કે ગમતા નથી મળતાં તોય ચલાવી જ લો છો ને ! એક વાત સમજી લો કે ઈશ્વરે ઈન્દ્રિયો કેળવવા માટે જ આપી છે. કાનથી કવિઓની કવિતા નથી સાંભળી લેતા ? ગાલ ઉપર ધબ્બો નથી ખાઈ લેતા ? જીભથી કડવું-તૂરું બોલી નથી દેતા ? ફરજ પડે તો ઉકરડા પાસે ઊંડા શ્વાસ નથી લેતા ? ‘ચલ’ચિત્ર ‘સ્થિર’ બેસીને નથી જોતાં ? બસ…. તો મારા અક્ષર વાંચી લેવાના !
મૂળચંદ તો મૂળચંદ જ રહેવાનો.
એડજસ્ટ આપણે થવાનું
સમયજા ?!
અક્ષર સુવાચ્ય ન હોય તો વિકલ્પ મળે, પણ મન અને જીવન બાળક જેવું પારદર્શક અને સુવાચ્ય રાખવું.
[કુલ પાન : 118. કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર, દેરાસર સામે, ગાંધીરોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22132921.]
Categories: હસો અને હસાવો
લેખિકાશ્રીને મારી ચેલેન્જ છે કે મારા અક્ષરોની સામે તમારા અક્ષરો કંઈ જ ન હશે. ઘણીવાર તો હું પોતે પોતાને ભાંડુ છું કે થોડા સારા અક્ષર કાઢત તો ? આપણુ લખેલુ કોઈ આપણને પૂછવા આવે અને એ આપણને જ ન ઉકેલાય તો એમ થાય કે ધરતી મારગ આપે અને પૂછનારને ધકેલી દઉં.
ખરાબ અક્ષરો તો માણસ હોવાની સાબિતી આપે છે, સારા અક્ષરો એકસરખી રીતે કાઢનારા તો મને મશીન જેવા લાગે છે.
આભાર,
નયન
by nayan panchal on Mar 1, 2010 at 10:41 am
ગાંધીજી એ કહ્યું છે……”ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે”
અને હું તે વિચાર સાથે સંમત છું.
કોમ્પ્યુટરનાં આવિષ્કાર સાથે આ ‘અત્યાચાર’ ઘણો ઓછો થઈ ગયો છે.
“અક્ષર સુવાચ્ય ન હોય તો વિકલ્પ મળે, પણ મન અને જીવન બાળક જેવું પારદર્શક અને સુવાચ્ય રાખવું”
લેખિકા એ લેખનાં અંતમાં લખેલ વાક્યને કારણે તેમનાં અ-વાચ્ય અક્ષરો બદલ તેમને ‘બાઈજ્જ્ત બરી’ કરવામાં આવે છે.
હવે આ અભિપ્રાય પર ગંભીર ચર્ચા શરૂ ન થઈ જાય તેવી ઈશ્વર ને પ્રાર્થના.
by જગત દવે on Mar 1, 2010 at 11:31 am
બહુજ સારો લેખ. અક્શર તો ઘણા લોકો ના સારા ના પણ હોય પણ હુ એક સરકારી કર્મચારી હોવા છતા સાર અક્શર કરી જાણુ છુ ને તેનો ઉપયોગ પણ કરુજ છુ. સારા અક્શર એ વ્યસ્થિતપણા ની નિશાનિ છે.
by દિવ્યમ અન્તાણી, કેશોદ on Mar 1, 2010 at 11:31 am
સારા અક્ષરે
પત્ર લખ્યો છે
ટિકિટ નથી
by Bhajman Nanavaty on Mar 1, 2010 at 12:40 pm
શ્રી જગતદેવ,
હું ગાંધીજી અથવા તમારી સાથે એ વાત પર સંમત નથી કે ખરાબ અક્ષર એ અધુરી કેળવણી ની નિશાની છે. કારણ કે ગાંધીજી પોતે એક વકીલ હતા પરંતુ તેમના અક્ષર એકદમ ખરાબ હતા… તમે મને કહો કે કયા ડોકટર ના અક્ષર સારા હોય છે? એ પોતે ઘણીવાર પોતે લખેલા પ્રિશકિપશન નથી વાંચી શકતા… પરંતુ તમે ડોકટરની કેળવણી ને અધુરી તો કહી શકો… હા તમને તમારા અક્ષર નો ન વંચાય તો ખરાબ છે અને સુધારવાનો પ્ર્યત્ન કરવો જોઈએ.
by Chirag on Mar 1, 2010 at 10:10 pm
શ્રી ચિરાગભાઈ
સુવાચ્ય અક્ષર કુદરતની દેન છે. જેમ કંઠ સુરીલો હોય તો રિયાઝ દ્વારા વધારે કર્ણપ્રિય
કરી શકાય છે. અક્ષરનું પણ તેમ છે. અક્ષર અને કંઠ સાધના દ્વારા સાધ્ય કરી શકાય પણ
મૂળે તો સબસ્ટંસ હોવું જોઈએ.
સુવાચ્ય અક્ષર વ્યક્તિનું વ્યક્તિત્વ…વિઝન…સુઘડતા આયોજનબધ્ધતા વગેરે પ્રતિબિંબીત કરે છે.
કેલિગ્રાફી અક્ષરનું વિજ્ઞાન છે. જે વ્યક્તિ આ શાસ્ત્રમાં નિપુણ હોય તેને સામેની વ્યક્તિને
સમજતા વાર નહિ લાગે. પોલીસ ખાતાનું ક્રિમિનલ ખાતું કેલિગ્રાફીના નિષ્ણાતોની સહાય
ઘણીવાર લેતું હોય છે.
મોટાભાગના ડોકટરના અક્ષર ગરબડીયા હોય છે તેની ગુંચ ઉકેલવી તો
બહું સહેલી છે. ડોકટર જ્યારે પ્રિક્શ્રીપશન લખે ત્યારે તેમના મનની સવારી નેકટસ દર્દીએ
લઈ લીધી હોય છે. મોજૂદા દર્દીને જલ્દી ભગાડે તો બીજો દર્દી કેબિનમાં આવેને..!!
દર્દીને જલ્દી ભગાડવાની લાયમાં જેમતેમ…જેમતેમ અક્ષરો આપોઆપ પેનમાંથી પ્રગટે છે.
ભ્રૃણમાં જીવાત્મામાં ક્યાંથી આવે છે ?
ઉત્તરની રાહ આપના તરફથી જોઈ રહ્યો છું.
આભાર.
by જય પટેલ on Mar 2, 2010 at 1:58 am
શ્રી જય પટેલ,
સુવાચ્ય અક્ષર કુદરતનિ દેન હોય છે – એ સાથે ૧૦૧% સંમત – પણ અક્ષર પરથિ વ્યતી કેટલા પાણી માં છે તે તારવુ ખુબ મુશકેલિ ભર્યુ હોય શકે. ડોકટરો, અંજીનીયરો, સાઈન્ટીસ્ટો – એ બધા ના મોટે ભાગે અક્ષર એકદમ ખરાબ હોય છે – જ્યારે કળા ના ક્ષેત્રે જે લોકો કામ કરેછે તેમ ના અક્ષર સુવર્ણ હોય છે (મોટે ભાગે) – માત્ર અક્ષર સારા હોવાથિ ઉજ્વળ અને સારૂ હોવુ એ માનવુ મિથ્યા છે… કેલિગ્રાફી એ અક્ષર નુ વિજ્ઞાન જરૂર છે પરંતુ તેમા કદી પણ, અક્ષર સારા – કે ખરાબ નો ઉલ્લેખ નથિ કરાયો… કેલિગ્રાફી માં અક્ષર ના વળાંક, લખવાની રીત, લાઈનો, વગેરે નો અભ્યાસ થાય છે નહિ કે સારા-ખરાબ અક્ષર નો…. ડોકટરો, અંજીનીયરો, સાઈન્ટીસ્ટો અક્ષર તરફ દ્યાન નથી આપતા એ નુ કારણ છે કે, તે મના માટે અક્ષર એ કળા નો વિષય છે – અને એ લોકો કળા ના નહી પરંતુ તર્ક ના વિષયો માં નિષ્ણાત છે….
by Chirag on Mar 2, 2010 at 3:54 am
સુંદર લેખ નલિનીબેન !!
by Namrata on Mar 2, 2010 at 6:13 am
ખૂબ જ સરસ લેખ !!!!!!!!!!
લેખિકાએ અંત ખૂબ જ સરસ આપ્યો છે.
આપનો આભાર.
by Hemal Kiri on Mar 2, 2010 at 6:25 am
ચિરાગભાઈ,
મારો ઇ-મેઈલ ‘ડાઊનલોડ’ વાળા લેખ પર મે આપ્યો છે. તમારા સંગીતની તાનની રાહ જોઈ રહ્યો છુ.
આપ ગાંધીજીનાં ને મારા અભિપ્રાય સાથે તમે સંમત નથી……કબુલ……..પણ તમે કેળવણીની વ્યાખ્યા ખોટી કરી રહ્યા છો. કેળવણી અને ભણતરમાં ફેર છે. શું ફેર છે તેની વ્યાખ્યા નથી કરતો કા. કે. મને આપની કેળવણી પર ભરોસો છે.
by જગત દવે on Mar 2, 2010 at 9:54 am
“અક્ષર સુવાચ્ય ન હોય તો વિકલ્પ મળે, પણ મન અને જીવન બાળક જેવું પારદર્શક અને સુવાચ્ય રાખવું.”
Ms. Ganatra !!! Just One sentences Ma j Badhu PATAVI didhu.. … GAMYU……….Aavuj Gamadta Rejo…
Regards,
Manisha
by Manisha on Mar 2, 2010 at 10:13 am
સરસ નલીની બહેન
ખુબ મજા આવી પહેલા જે લેખ પુસ્તકમાં વાંચતા તે હવે ઓનલાઇન વાંચીને આનંદ થયો.
કુરેશી ઇમરાન
by imran kureshi on Mar 23, 2010 at 10:37 am
thank you for your comments..
-dr.naliniganatra
by dr nalini ganatra on Apr 11, 2010 at 9:21 pm
thanks a lot…….
by dr nalini ganatra on Apr 11, 2010 at 9:25 pm
‘જે વાંચવું હોય એ વાંચી લો મારી આંખોમાં,
અક્ષર જેવી આંટીઘૂંટી નથી મારી આંખોમાં.’
મજા લાવી દીધી.આપની શૈલીને અભિનંદન,
રમેશ પટેલ(આકાશદીપ)
by Ramesh Patel on May 24, 2010 at 10:12 am